વાગરા-જાગેશ્વર ગામના ખેડૂતો-યુવાનોને ભારે હાલાકી

લાંબા સમયથી ચાલી રહેલા રોજગારીનો પ્રશ્ન ઉગ્ર બન્યો

પર્યાવરણ અને પાણી પ્રદુષણ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠયા

ખેડૂતો-યુવાનોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું

યોગ્ય ન્યાય નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં લાંબા સમયથી ચાલી રહેલા રોજગારીના પ્રશ્ને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં લાંબા સમયથી ચાલી રહેલા રોજગારીના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વર્ષ 1986-87 દરમિયાન જીઆઈડીસી અને ખાનગી કંપનીઓ માટે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિકોને રોજગારી, પીવાનું પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવા વચન આપવામાં આવ્યું હતું.

ગ્રામજનોનો આક્ષેપ છે કે, શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ બ્લૂ-કોલર કર્મચારી તરીકે રોજગારી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરવામાં આવ્યા અને સ્થાનિક યુવાનો રોજગારથી વંચિત બન્યા. આવેદન પત્રમાં વધુમાં જણાવાયું છે કે, હાલ ABG શિપયાર્ડ કંપનીનું સંચાલન દેશની જાણીતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને કંપનીના વિસ્તરણનું કામ પણ ચાલી રહ્યું છે. તેમ છતાં જમીન ગુમાવનારા પરિવારોના યુવાનોને ટેકનિકલ બ્લૂ-કોલર તરીકે રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી.

આ મુદ્દે જિલ્લા કલેક્ટર, જીઆઈડીસી અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામજનોએ કંપનીઓ સામે પર્યાવરણ પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ તેમજ સ્થાનિક સુવિધાઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. જાગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.