બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર લૂંટની ઘટનાથી ચકચાર
સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લાખોની લૂંટ
પોલીસે બે સાગરીતોની કરી ધરપકડ
ઘટનામાં ભાજપ નેતાના ભાઈની પણ સંડોવણી
ચોકીદાર જ ચોર,સિક્યુરિટી મેનેજરે જ ચલાવી લૂંટ
વલસાડ જિલ્લાના વાપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ‘અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’ની સાઇટ પર મોડી રાત્રે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી, ધાકધમકી આપીને લાખો રૂપિયાના માલસામાનની લૂંટની ઘટનાથી ચકચાર મચી
વલસાડ જિલ્લાના વાપીમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો ટેમ્પો લઈને બુલેટ ટ્રેન સાઇટ પર ત્રાટક્યા હતા. ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડને ડરાવી-ધમકાવીને લૂંટારુઓ 5 ટનથી વધુ લોખંડનો સામાન ટેમ્પોમાં ભરીને ફરાર થઈ ગયા હતા.ઘટનાની ફરિયાદ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ધાડ ગેંગના બે સાગરીતો હેમંતસિંહ અને અલી અહેમદને દબોચી લીધા છે, જ્યારે અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ મામલે પોલીસની પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. આ ધાડ પાછળ કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ એક મોટી રાજકીય પાર્ટીનું કનેક્શન સામે આવ્યું છે.પોલીસ તપાસ મુજબ, આ ધાડ પાડનારી ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ વિકી હળપતિ છે, જે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પારસ હડપતિનો સગો ભાઈ છે! એટલું જ નહીં, તેની માતા પણ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર રહી ચૂક્યા છે.
ચોંકાવનારી વાત એ પણ છે કે ઝડપાયેલો આરોપી હેમંત સિંહ પોતે આ પ્રોજેક્ટનો સિક્યુરિટી મેનેજર છે. જેના ભરોસે સુરક્ષાની જવાબદારી હતી, તે જ મેનેજર મુખ્ય સૂત્રધાર વિકી હળપતિ સાથે મળીને આ ચોરીને અંજામ આપતો હતો.
હાલમાં ડુંગરા પોલીસે આ હાઈપ્રોફાઈલ કેસમાં માસ્ટરમાઇન્ડ વિકી હળપતિ સહિત બાકીના 5 વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી પકડાયા બાદ આ કેસમાં અન્ય કેટલા મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
