ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5મી અને છેલ્લી T20 મેચમાં ટીમ ઇન્ડિયાને 56 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ ભારતે 5 મેચની આ સિરીઝ 4-0 થી ગુમાવી દીધી છે. એટલું જ નહીં, આ શરમજનક હારને કારણે ICC T20 રેન્કિંગમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલતો ભારતનો દબદબો પણ ખતમ થઈ ગયો છે અને હવે ઇંગ્લેન્ડની ટીમ વિશ્વની નવી નંબર 1 T20 ટીમ બની ગઈ છે. સાઉથમ્પ્ટનમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે 257 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 201 રન જ બનાવી શકી હતી.
આ છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. વૈભવ સૂર્યવંશીને બહાર બેસાડીને 3 મેચ બાદ સંજુ સેમસનને પાછો લાવવામાં આવ્યો હતો. પણ જ્યારે બોલરોએ જ 257 રન લૂંટાવી દીધા હોય, ત્યારે સેમસન પણ બિચારો એકલો શું કરે? તેણે 14 બોલમાં 27 રન બનાવ્યા હતા. બીજી તરફ ઓપનર અભિષેક શર્મા સળંગ ત્રીજી મેચમાં સાવ ફ્લોપ રહ્યો.ઇશાન કિશને 56 અને તિલક વર્માએ 53 રન ફટકારીને અડધી સદી તો પૂરી કરી, પણ સામે ટાર્ગેટ એટલો મોટો હતો કે તેમની આ ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહીં.
ઇંગ્લેન્ડની બેટિંગની વાત કરીએ તો, જોસ બટલરે 64 બોલમાં 131 રનની જબરદસ્ત સદી ફટકારીને આખું મેદાન ગજવી મૂક્યું હતું. તો સામે છેડે કેપ્ટન હેરી બ્રુક પણ 95 રન બનાવીને અણનમ રહ્યો. આ બંને સામે ભારતીય બોલરો સાવ વામણા પુરવાર થયા. પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ, શિવમ દુબે અને સૂર્યાંશ શેડગેની ઇંગ્લિશ બેટ્સમેનોએ બરાબરની ધોલાઈ કરી. તમને જણાવી દઈએ કે, કોઈ એક T20 સિરીઝ કે ટુર્નામેન્ટમાં 4 મેચ હારવાનો ટીમ ઇન્ડિયાનો આ સૌથી ખરાબ રેકોર્ડ બની ગયો છે.
