ભરૂચના ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંજરામાં પુરાયેલો દીપડો અચાનક ભાગી છૂટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાને રેસ્ક્યૂ કરીને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે તે પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો. દીપડો ભાગતા કચેરીની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કામ કરી રહેલી બે મહિલા મજૂરો પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બંને મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.ઇજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ ઝઘડિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી. દીપડો ભાગી છૂટવાની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું હતું. દીપડાને ઝડપી પાડવા માટે ઝઘડિયા વન વિભાગની ટીમોએ કચેરીની આસપાસના વિસ્તારો, સોસાયટીઓ અને નજીકના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
