ભરૂચમાં યોજાઈ બેઠક
સોમદાસ બાપુના આશ્રમ ખાતે બેઠક
વીએચપીના અધ્યક્ષ આલોક કુમાર રહ્યા ઉપસ્થિત
સંતો મહંતોના કર્યા દર્શન
ડ્રગ્સના દુષણ અંગે વ્યક્ત કરી ચિંતા
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે ભરૂચમાં સોમદાસ બાપુના આશ્રમ ખાતે સંતો મહંતો સાથે બેઠક કરી સામાજિક મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
ભરૂચના રજનીગંધા સોસાયટી સ્થિત સોમદાસ બાપુના આશ્રમે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે મુલાકાત લીધી હતી. તેમણે સોમદાસ બાપુ સહિત સંતો-મહંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.આલોક કુમાર હાલ દક્ષિણ ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે છે. ‘સંત દર્શન યાત્રા’ અંતર્ગત તેઓ વિવિધ સંતો-મહંતો સાથે મુલાકાત કરી રહ્યા છે.
ભરૂચની મુલાકાત દરમિયાન તેમણે દેશ અને ખાસ કરીને ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સનું વધતું જતું દુષણ સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે ગંભીર પડકાર બની રહ્યું છે. આ સમસ્યા સામે જનજાગૃતિ લાવવા અને સમાજને સંગઠિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવશે.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, નિરલ પટેલ તેમજ સામાજિક આગેવાન ધનજી પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
