ભરૂચમાં આરોગ્ય વિભાગ સજ્જ
ચાંદીપુરા વાયરસને લઈ એલર્ટ
સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ
દર્દીઓને તમામ સારવાર મળી રહેશે
તંત્રની સમગ્ર પરિસ્થિતિ પર નજર
ભરૂચમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર સજજ બન્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે
ભરૂચમાં પણ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે અલગ વોર્ડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સજ્જ છે.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે. આ વાયરસ બાળકોમાં વધુ ગંભીર અસર કરી શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ, માથાનો દુખાવો, ઊલટી, આંચકી આવવી, બેભાન થવું અને મગજ પર અસર થવી સામેલ છે. આ વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી. સમયસર હોસ્પિટલમાં દાખલ કરી તાવ નિયંત્રણ, પ્રવાહી આપવું, શ્વાસ અને અન્ય જરૂરી સહાયક સારવાર જ મુખ્ય ઉપચાર છે.
