અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના કિનારે જાહેરમાં બિભત્સ ચેનચાળા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે
અંકલેશ્વર નજીલ ગોલ્ડનબ્રિજ પાસે નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ, બેફામ વાહનચાલન તેમજ જાહેર સ્થળોએ અશોભનીય હરકતો અંગે મળતી સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર ‘બી ડિવિઝન’ પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી.પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી ત્યાં શાંતિ, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જાહેર સ્થળોની ગૌરવ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’બી ડિવિઝન’ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિમાં વિક્ષેપ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે.
