દહેજથી બાલા શિનોર તરફ કોલસાની રાખ ભરીને જતી 22 ચક્કાની ટેન્કર ટ્રક અચાનક રસ્તાની સાઇડમાં ખાબકી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ સામે આવેલી અલ્ટો કારને બચાવવા માટે ટ્રકના ડ્રાઇવરે ક્ષણભરમાં સમજદારીપૂર્વક સ્ટિયરિંગ રોડની સાઇડ તરફ વાળી દીધું હતું.
ડ્રાઇવરની સમયસૂચકતા અને બહાદુરીના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો ટ્રક સીધી અલ્ટો કાર સાથે અથડાઈ હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.
જોકે ટ્રક રસ્તાની સાઇડમાં ઉતરી જતાં વાહનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
બનાવની જાણ થતાં આસપાસના રહીશો અને અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના બાદ એક મહત્વનો સવાલ પણ ઉભો થયો છે કે, ભારે વાહનો માટેના માર્ગો પર સલામતીના પૂરતા માપદંડો અમલમાં છે કે નહીં? તેમજ બેદરકાર રીતે વાહન ચલાવતા નાના વાહનચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?
