અંકલેશ્વર નગરપાલિકામાં વિવાદ

કમિટીઓની રચનાને લઈ વિવાદ જોવા મળ્યો

નિયમોનું પાલન ન થયુ હોવાના કોંગ્રેસના આક્ષેપ

ચીફ ઓફિસરને કરવામાં આવી રજુઆત

કાયદાકીય કાર્યવાહીની ચીમકી

અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ જોવા મળી રહ્યો છે. 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે

અંકલેશ્વર નગરપાલિકાની તા. 17-07-2026ની સામાન્ય સભામાં એજન્ડા ક્રમાંક–3 હેઠળ રચાયેલી વાહન વ્યવહાર, સેનિટેશન અને ડ્રેનેજ કમિટીની રચના સામે કોંગ્રેસના નગર સેવકોએ મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે સંબંધિત નિયમો મુજબ દરેક કમિટીમાં એક અધ્યક્ષ અને પાંચ સભ્યો હોવા જરૂરી છે. જોકે સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલ મુજબ ત્રણેય કમિટીમાં માત્ર ચાર સભ્યોની જ નિમણૂક કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ કારણે કમિટીઓનું ગઠન અધૂરું અને નિયમવિરોધી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.અરજદારે દાવો કર્યો છે કે અધૂરી અને કાયદેસર રીતે અમાન્ય ગણાતી કમિટીઓ દ્વારા વહીવટી, નાણાકીય અથવા ટેકનિકલ નિર્ણયો લેવામાં આવશે તો તેની કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય કમિટીની તમામ પ્રકારની સત્તાકીય કામગીરી પર તાત્કાલિક રોક મૂકવાની માંગ કરવામાં આવી છે.

રજુઆતમાં મુખ્ય અધિકારીને કમિટીઓની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ ઠરાવ, ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી, ચુકવણી અથવા અન્ય કાર્યવાહી ન કરવા લેખિત આદેશ આપવા તેમજ નિયમ મુજબ નવી અને પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી કમિટીઓની કામગીરી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 258 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જરૂર જણાય તો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંડાદીયાને પૂછતા તેઓએ હાલ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો