ભરૂચના ઝાડેશ્વર રોડ પર અઈયાપ્પા મંદિર નજીક દુબઈ ટેકરી પાસે રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાઈવા ટ્રક નંબર GJ-16-AU-9339ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. રેતી ખાલી કરતી વખતે અચાનક ટ્રક ડિવાઈડર સાથે અથડાતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્મત બાદ હાઈવા ટ્રકનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાની માહિતી છે. ટ્રક પર “ઓન ડ્યુટી જી.એસ.આર.ડી.સી., ગવર્મેન્ટ ઓફ ગુજરાત” લખેલું પેપર પ્રિન્ટ લગાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.હાઈવા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નો-એન્ટ્રીના સમયગાળા દરમિયાન રેતી ભરેલો હાઈવા ટ્રક રોડ પર આવ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.