ગાંધીધામમાં સોનમનું નીપજ્યું હતું શંકાસ્પદ મોત
ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો
પોસ્ટમોર્ટમમાં સોનમની હત્યાની થઇ પુષ્ટિ
પતિએ પત્નીને માર મારીને મોતને ઘાટ ઉતારી
સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા શરૂ કરાઇ તપાસ
કચ્છના ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં પ્રેમલગ્ન કરનારી નેપાળની પરિણીતા સોનમ સુનારની તેના જ પતિ સુલતાન જુસબ સુમરાએ ઢોર માર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.
કચ્છના ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં પ્રેમલગ્ન કરનારી નેપાળની પરિણીતા સોનમ સુનારના શંકાસ્પદ મોતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો,જાણવા મળ્યા મુજબ ઘટનામાં પોલીસે રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ જામનગર મેડિકલ કોલેજ ખાતે મૃતદેહનું ફોરેન્સિક ઓટોપ્સી કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં સોનમનું મોત બહુવિધ ગંભીર ઈજાઓના કારણે થયું હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું હતું. પ્રેમલગ્નના 15 વર્ષે સોનમને કંપાવી નાખતુ મોત મળ્યુ હતું. તેને 3 સંતાન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ મામલે સોનમના ભાઈ રાહુલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી પતિ સુલતાન જુસબ સુમરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોપી સુલતાને કયા કારણોસર તેની પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી, તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડે તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે એકલધામના મહંત યોગી દેવનાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પત્નીની ઘાતકી હત્યા કરનારા આવા નરાધમ આરોપીને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થવી જોઈએ.
મૃતકના ભાઈ રાહુલ સુનારે જણાવ્યું હતું કે, મારી બહેનને અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવી છે. છેલ્લી ઘડી સુધી તે અમારો સંપર્ક પણ ન કરી શકી કે ન તો પોતાની તકલીફ જણાવી શકી. એક ભાઈ તરીકે મારી બસ એક જ માંગ છે કે મારી બહેનને ન્યાય મળે.
