ખડીયાસણ ગામમાં ATSનો તપાસનો ધમધમાટ

આરોપીને સાથે રાખી ATSનું સર્ચ ઓપરેશન

ATSની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

નદીના પટમાં કરાઈ હતી બોમ્બ બ્લાસ્ટની પ્રેક્ટિસ

કબ્રસ્તાનમાં પણ બોમ્બ બ્લાસ્ટના મળ્યા પુરાવા

આરોપીના ઘરના ધાબા પર બનતા હતા બોમ્બ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામમાં ગુજરાત ATSનો ધમધમાટ જોવા મળ્યો હતો,અને આતંકવાદીને સાથે રાખીને સર્ચ ઓપરેશન પર પાડવામાં આવ્યુ હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ખડીયાસણ ગામ પોલીસ  છાવણીમાં ફેરવાઈ ગયું હતું,ગુજરાત ATSની ટીમે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એક મોટું અને સીક્રેટ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ગુજરાત ATSની ટીમ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય માસ્ટરમાઈન્ડ આતંકવાદી આરોપી મહમદ ઐયુબ કડીવાલાને સાથે રાખીને ખડીયાસણ ગામના અલગ-અલગ વિસ્તારોમાં તીવ્ર તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે, ગામના મદરેસાની પાછળ આવેલા નદીના પટમાં આતંકીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી.

એટલું જ નહીં, આરોપીને સાથે રાખીને ATSની ટીમે ગામના કબ્રસ્તાન વિસ્તારમાં પણ તપાસ કરી છે, જ્યાં અગાઉ કરવામાં આવેલા ટ્રાયલ બ્લાસ્ટના કારણે મોટા ખાડા પડી ગયા હોવાની વિગતો સામે આવી છે. આ સિવાય, આતંકી મહમદ ઐયુબ કડીવાલા પોતાના ઘરના ધાબા પર બોમ્બ બનાવતો હોવાનું સામે આવતા, ATS એ તેના નિવાસસ્થાને પહોંચીને ખૂણે-ખૂણાની તપાસ કરી હતી.

સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ અણબનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ચેતક કમાન્ડોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.ATSના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.