અવિરત વરસાદના કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાય
કસક, સેવાશ્રમ રોડ, ફુરજા ચાર રસ્તા નજીક પાણી ભરાયા
વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો
દુકાનો બંધ રહેતા વેપારીઓને ધંધા-રોજગાર ઉપર અસર
લોકોને કામ વગર બહાર નહીં નીકળવા તંત્ર દ્વારા અપીલ
ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ વાહનવ્યવહાર પણ ધીમો પડ્યો છે.
ભરૂચ શહેરમાં વહેલી સવારથી વરસેલા ભારે વરસાદના પરિણામે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ભરૂચ શહેરના કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ફુરજા ચાર રસ્તા સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે, અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ તરફ, શહેરના ફુરજા ચાર રસ્તા, ગાંધીબજાર, કતોપોર બજાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અવિરત વરસાદ વચ્ચે દુકાનો બંધ રહેતા વેપારીઓને ધંધા-રોજગાર પર અસર મોટી અસર પહોચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાના કુલ 14 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેમજ બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. સાથે જ, જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવાયું છે. બચાવ ટીમો, જરૂરી સાધનો અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે.
