દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા
ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત
પશ્ચિમ રેલવેની સેવાઓ પણ ખોરવાઈ
રાત્રિ દરમિયાન 20થી વધુ ટ્રેનો રદ
મુંબઈ-અમદાવાદ રુટ ભારે પ્રભાવિત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે.
દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી,વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે પશ્ચિમ રેલવે વિભાગ પણ પ્રભાવિત થયો છે.રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે અને સુરક્ષાના કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન જ 20 જેટલી ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. મુખ્યત્વે મુંબઈ તરફ જતી અને મુંબઈથી આવતી તમામ મહત્વની ટ્રેનો રદ થતાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.
આ અચાનક રદ કરાયેલી ટ્રેનોના કારણે સુરત રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તારીખ 23મી જુલાઈની સાંજથી જ હજારો મુસાફરો સ્ટેશન પર અટવાઈ પડ્યા છે. કલાકોથી મુસાફરો પ્લેટફોર્મ પર બેસીને ટ્રેન શરૂ થવાની કે અન્ય વિકલ્પની રાહ જોઈ રહ્યા છે.
જોકે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક મુસાફરોના માર્ગદર્શન માટે ‘હેલ્પ ડેસ્ક’ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યાંથી મુસાફરોને ટ્રેનના રિફંડ અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા અંગેની માહિતી આપવામાં આવી રહી છે. રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા ટ્રેનનું સ્ટેટસ જરૂરથી ચેક કરીને મુસાફરી માટે નીકળે.
