વિશ્વના તમામ દેશોના હવામાન કરતાં ભારતીય હવામાન સારું છે. જેનું કારણ છે કે, માત્ર એક ભારત દેશમાં જ પ્રમુખ રૂપથી ચાર ઋતુઓનું ઋતુચક્ર નિયમિત રૂપે કાર્ય કરે છે. મહાભાગ્યશાળી આ ભરતખંડનું બાહ્યસ્વરૂપ જેટલું ભવ્ય અને મનોહર છે, એટલું જ એનું આંતરિક સૌંદર્ય પણ અભિરામ અને આભામય છે. કારણ કે, સનાતન શાસ્ત્રોના શાશ્વત શબ્દોમાં હૃદયાંકિત થયેલો ભારત દેશ પવિત્રતાની પારાશીશીમાં પારસમણિ સમાન છે. પિઝા અને વીઝા બાબતે સુખ સુવિધાના સિકંદરી સિંહાસન પર બેસનારા પશ્ચિમી દેશો પવિત્રતાના પેપરમાં પાસીંગ માર્કર્સ પણ લાવી શકતા નથી. જ્યારે, ભારત દેશ તો પવિત્રતાના પંથનો પથદર્શક છે… સમસ્ત જગતમાં સભ્યતાનો વિસ્તાર કરવાનું શ્રેય-ધ્યેય આ દેશના પાયામાં પૂરાયેલું છે.

સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને ‘માતા’ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે. ભાગ્યશાળી છે ભારતીયો કે તેઓ ગૌરવથી બોલી શકે છે કે, “ભારતમાતા કી જય”… હકીકતમાં જોવા જઈએ તો ભારતદેશ સમગ્ર વિશ્વની માતા છે… ભારતમાતાના ગર્ભમાંથી માનવીનો જન્મ થયો… ભારતમાતાના ખોળે તેનો ઉછેર થયો અને ભારતમાતા પ્રદત્ત પોષણથી તેનો વિકાસ થયો…

અમેરિકાના ઇતિહાસવિદ્, લેખક વીલ ડુરાન્ટ કહે છે કે, “પૃથ્વી પરની સકળ જાતિઓની માતૃભૂમિ ભારત છે અને તમામ ભાષાઓની જનની સંસ્કૃત. ભારત આપણી પશ્ચિમી ફિલસૂફીની માતા છે. ગણિતશાસ્ત્રની પણ માતા છે. લોકશાહી અને ગણતંત્રની પણ માતા છે. અનેક રીતે જોઈએ તો ભારતમાતા આપણા સૌની માતા છે.”

વિશ્વ અને ભારતના તમામ ગ્રંથો માને છે કે, માણસનું મૂળ ભારતમાં છે. પૃથ્વી પર માનવ વસ્તી પ્રજાપતિના પુત્રોમાંથી આવી છે. પૃથ્વી પરના તમામ મનુષ્યો પ્રજાપતિના સંતાનો છે. પ્રથમ સૃષ્ટિકર્તા માનવી સ્વયંભુ મનુ છે.

ભારત દેશ સંસ્કૃતિનું પારણું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાં પ્રથમ ક્રમે છે. પ્રાચીન સમયમાં જ્યારે ઘણી સંસ્કૃતિઓ વનવાસી હતી, ત્યારે ભારતીયોએ સિંધુ ખીણમાં હડપ્પન સંસ્કૃતિની સ્થાપના કરી… માનવીના વિકાસમાં અને સંસ્કૃતિના સર્જનમાં નદીઓનો ફાળો મસમટો છે. નદીઓએ માણસો અને પશુ-પંખીઓ માટે સંજીવની પૂરી પાડી છે. નદીઓએ ગાઢ જંગલોમાં રસ્તાની ખોટ પૂરી પાડી છે. તેથી, જ તો જગતભરની પ્રાચીનતમ સંસ્કૃતિઓ નદી-કિનારે વિકસી છે…

જગતની સંસ્કૃતિઓનાં ચાર કેન્દ્રો લેખાય છે :

૧. સિંધુ-ગંગા-યમુનાનો ધનધાન્યભર્યો પ્રદેશ – હિન્દુસ્તાન – ભારતવર્ષ

૨. નાઇલ નદીનો ફળદ્રુપ પ્રદેશ

૩. યુફ્રેટીસ અને તૈગ્રિસનો હરિયાળો પ્રદેશ મેસોપોટેમિયા અથવા ઇજિપ્ત

૪. હો આંગ હો તેમજ યાંગ-સે ક્યાંગનો ભર્યોભર્યો પ્રદેશ ચીન…

જેમાં સિંધુ-ગંગા-યમુનાના કિનારે વિકસેલી ભારતીય સંસ્કૃતિ સૌથી વધારે પ્રાચીનતમ અને મૂળભૂત છે. Ignited Minds નામના પુસ્તકના પાંચમાં પ્રકરણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાહેબ લખે છે, “આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ સમયથી પર છે. તે ઇસ્લામના આગમન પહેલાની છે; તે ખ્રિસ્તી ધર્મના આગમન પહેલાની છે. તમે જોઈ શકો છો કે, શરૂઆતના ખ્રિસ્તીઓએ નિશ્ચય સાથે આ ભારતીયતા જાળવી રાખી છે, તેમની પરિણીત મહિલાઓ મંગળસૂત્ર પહેરે છે અને તેમના પુરુષો કેરળની શૈલીમાં ધોતી પહેરે છે.”

ભારત દેશે જ સમગ્ર વિશ્વને હિન્દુધર્મ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પાયા પર રચાયેલી સામાજિક જીવન વ્યવસ્થા આપી. ભારત દેશે યજ્ઞીયપરંપરા, ચાર આશ્રમ, ચાર પુરુષાર્થ, સોળ સંસ્કાર, આચાર-વિચાર-વ્યવહાર, કૌટુંબિક જીવન, આતિથ્ય સત્કાર, ઉત્સવો… વગેરે દ્વારા સમસ્ત વિશ્વના માનવ માત્રને સંપૂર્ણ જીવન પ્રણાલિકા આપી… એટલા માટે જ, આજે વિશ્વની તમામ ધાર્મિક સંસ્કૃતિ અને સભ્યસમાજમાં હિન્દુ ધર્મની ઝલક જોઈ શકાય છે. હજારો વર્ષ પહેલાં ભિન્ન ભિન્ન વિચારધારાઓથી સ્વચ્છંદી જીવન જીવતા વિશ્વના લોકો પાસે ન તો કોઈ શાસનની સ્પષ્ટ પદ્ધતિ હતી કે ન તો કોઈ સામાજિક વ્યવસ્થા… ત્યારે ભારત દેશે સમગ્ર વિશ્વને સામાજિક સંગઠન અને કૌટુંબિક પ્રથાની ભેટ આપી… ઉલ્લેખનીય છે કે ભારતીયો પ્રાચીન કાળથી એક વિશાળ અને વિશેષ સમુદાયમાં ઉછર્યા છે.

યોગીઓના યોગ વડે, તપસ્વીઓના તપ વડે અને ભક્તિમય સાધુ સંતોના ભજન વડે આ ભારત ભૂમિનું પોષણ થયેલું છે. ભારત દેશે સમગ્ર વિશ્વને ‘મનુષ્યજન્મનો હેતુ કલ્યાણની પ્રાપ્તિ કરવાનો છે’ એવો અભૂતપૂર્વ સંદેશ આપ્યો. ભારત એકમાત્ર એવો દેશ છે કે, જ્યાં વિવિધ ધર્મોના લોકો એકતાથી એકસાથે રહે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનો જન્મ ભારતમાં થયો છે. સુપ્રસિદ્ધ અમેરિકન લેખક, માર્ક ટ્વેઇન કહે છે કે, “ધર્મની બાબતે માત્ર એક ભારત જ લક્ષાધિપતિ છે. ભારત એવી ભૂમિ છે જે ભૂમિને જગતના સઘળા મનુષ્યો જોવા ઇચ્છે છે. જો કોઈ મનુષ્ય તેની માત્ર એક ઝલક જ પામ્યો હોય તો તે સમસ્ત વિશ્વનું દર્શન કરવા છતાં એ ઝલક ભૂલી શકતો નથી.” વિશાળ ભારત દેશમાં વિવિધ બોલીઓ બોલતાં ભાતભાતના લોકો વસે છે. એક જ દેશમાં વસતી વિવિધ માનવજાતિનો આ વિશ્વવિક્રમ છે. અનેક વિવિધતામાં પણ એક જ ડાળના પંખીની જેમ સૌ એક સંસ્કૃતિના તાણાવાણામાં વણાયેલાં છે. અને દરેકનું મન એક જ વાત કહે છે : સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા.

વેદ માનવ સંસ્કૃતિનો લગભગ સૌથી જૂનો લેખિત દસ્તાવેજ છે. ઋગ્વેદને માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રાચીન ધાર્મિક ગ્રંથ હોવાનું સન્માન મળે છે. ઋગ્વેદ પછી યજુ, પછી સામ અને પછી અથર્વ… એવી રીતે વેદોના ચાર વિભાગ થયા… વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો આ ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ… તેમાં જીવનના આરંભથી માંડીને અંત સુધીનો સાર આપવામાં આવ્યો છે. વેદ પર આધારિત ધર્મ સનાતન વૈદિક અથવા હિન્દુ ધર્મ કહેવાય છે.

વેદ ઉપરાંત ઉપનિષદ્, સૂત્રગ્રંથો, પુરાણ, અગત્સ્યસંહિતા, ભૃગુસંહિતા, ચરકસંહિતા, સુશ્રુતસંહિતા, વિમાનશાસ્ત્ર, પરમાણુશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગર્ભશાસ્ત્ર, રક્તાભિસરણશાસ્ત્ર, ઔષધિશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ચાણક્યનીતિ, વિદુરનીતિ, યોગસૂત્ર, યોગસાર, યોગાષ્ટક, કથાસરિત્સાગર, પંચતંત્ર, હિતોપદેશ, સિંહાસન બત્રીસી, વિક્રમવેતાલ – પચ્ચીસીની વાર્તાઓ, તેનાલીરામ, શુકસપ્તતિ, જાતકકથાઓ, સંસ્કૃતસુભાષિત, ત્રિપિટક, જૈનસૂત્ર, સિદ્ધાંતશિરોમણિ, રસરત્નાકર, રસેન્દ્રમંગલ, કક્ષપુટતંત્ર, આરોગ્યમંજરી, અષ્ટાધ્યાયી, સમયસાર, લીલાવતી, કરણકુતૂહલ, વચનામૃત, નિષ્કુળાનંદકાવ્ય, સત્સંગીજીવન વગેરે જેવા લાખો પુસ્તકો ભારત દેશની પૃષ્ઠભૂમિ પર લખાયા છે, જેના આધારે આજે વિજ્ઞાન, ટેક્નોલોજી, અદ્યતન જીવનધોરણના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ રહી છે… દુનિયાના સૌથી વિશાળ અને પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત પ્રથમ સ્થાને છે… જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનનો અનોખો સંદેશ આપે છે.

દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષા છે… સંસ્કૃત, તેની ઉત્પત્તિ ભારત દેશમાં થઈ. દુનિયાની ભલભલી ભાષાને ભૂ પાઈ દે તેવી આ સંસ્કૃતભાષાની વિશેષતાઓ વર્લ્ડફેમસ છે. સંસ્કૃત ભાષા દેવોની ભાષા કહેવાય છે. એ ઉપરાંત, સંસ્કૃત વિશ્વની તમામ ભાષાઓની માતા છે. કેટલીક બોલીઓએ સંસ્કૃતના આધારે પોતાનો વિકાસ કર્યો અને તે પણ એક ભાષા બની. સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા જન્મી અને ત્યારબાદ તે અપભ્રંશ થઈ, જેમાંથી જુદી-જુદી ભાષાઓ જન્મી. લિપિમાં લખવાની પ્રથા ભારતમાં જ શરૂ થઈ. પ્રાચીન ભારતમાં બ્રાહ્મી અને દેવનાગરી લિપિ પ્રચલિત હતી. તેમાંથી વિશ્વભરની અન્ય લિપિઓનો જન્મ થયો. મહાન સમ્રાટ અશોકે બ્રાહ્મી લિપિનું નામ ધમ્મલિપિ રાખ્યું. હડપ્પન સંસ્કૃતિના લોકોએ બ્રાહ્મી લિપિનો ઉપયોગ કર્યો, પછી સંસ્કૃત ભાષા પણ આ લિપિમાં લખવામાં આવી. સંશોધકોના જણાવ્યા મુજબ દેવનાગરી, બાંગ્લા, ઉડિયા, ગુજરાતી, ગુરૂમુખી, તમિલ, મલયાલમ, સિંહલા, કન્નડ, તેલુગુ, તિબેટીયન, રંજના, નેપાળી, ભૂંજીમોલ, કોરિયાલી, થાઈ, બર્મેલી, લાઓ, ખ્મેર ખુદાબાદી, ગ્રીક વગેરે લિપિઓની માતા બ્રાહ્મી લિપિ છે.

સર્વપ્રથમ ભગવત્ પૂજા અને દેવાગૃહ – મંદિરની શરૂઆત ભારતમાં થઈ. ઈશ્વર પૂજન-અર્ચનની વિધિ મૂળભૂત રીતે વર્ષો પૂર્વે પ્રાચીન ભારતની જંગલમાં વસતી જનજાતિએ શરૂ કરી હતી. આર્ય સંસ્કૃતિએ આ પૂજા-અર્ચનવિધિ તેમની પાસેથી સ્વીકારી. તેથી, જ તો ઋગ્વેદના સમયમાં આર્યો ઇન્દ્ર, યમ, વરુણ, સૂર્ય અને ઉષાની આરાધના કરતા હતા. સમય જતાં પરમેશ્વરનાં પૂજન-વંદન-કીર્તન માટે દેવાલય મંદિરોની સ્થાપના થઈ… અને આ ભક્તિમાર્ગનો પ્રવાહ સમગ્ર વિશ્વમાં વહેવા લાગ્યો. સમગ્ર વિશ્વને ઉત્સવો અને તહેવારો ઉજવવાની પ્રણાલી ભારતે આપી… ભારત એટલે વ્રત, ઉત્સવ અને તહેવારોની તેજોમય ભૂમિ… સૌથી વધારે તહેવાર ઉત્સવો ભારતમાં જ ઉજવવામાં આવે છે. હોળી, દિવાળી, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, ગણેશચતુર્થી, નવરાત્રી, દશેરા… વગેરે ભારતમાં ઉજવાતા ઉત્સવો વિશ્વભરમાં પ્રખ્યાત છે. એ ઉપરાંત, ભારતે સમગ્ર વિશ્વને કડવાચોથ નામનો એક એવો તહેવાર આપ્યો કે જેમાં પત્ની પોતાના પતિના દીર્ઘાયુ માટે વ્રત રાખે છે અને પ્રાર્થના કરે છે… આવું વ્રત કે આવો તહેવાર વિશ્વના અન્ય કોઈ દેશ પાસે નથી… આ જાણીને ભારતીય પતિદેવોએ પોતાની પત્નીના આકરાં સ્વભાવને સહન કરીને પણ થોડું ઘણું આનંદમાં રહેવા જેવું ખરું.

શિક્ષણ ક્ષેત્રમાં તો ભારત દેશ સમગ્ર વિશ્વનો પ્રિન્સિપાલ રહ્યો છે… કારણ કે, વિશ્વની પ્રથમ યુનિવર્સિટીની શરૂઆત ભારતમાં થઈ… જેનું નામ છે – તક્ષશિલા યુનિવર્સિટી… સમગ્ર વિશ્વ હજુ તો એજ્યુકેશનના એકડા ઘૂંટતું હતું ત્યારે ભારતની આ તક્ષશિલા યુનિવર્સિટીમાં વિશ્વભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતાંય વધુ વિષયોનો અભ્યાસ કરવા આવતા હતા. આ ઉપરાંત, પ્રાચીન ભારતની નાલંદા યુનિવર્સિટી શિક્ષણસાગરનો સૌથી મોટો સિદ્ધિસ્રોત ગણાતી.

વર્તમાન કાળે વિશ્વના ગણતરીબાજ ગણાતા દેશોને મૂળભૂત રીતે ગણતરી કરતા તો ભારત દેશે શીખવ્યું છે… વાત થાય છે ગણિતની… ભારત દેશે જ સમગ્ર વિશ્વને ગણિત શીખવાડ્યું… ઝીરોની શોધ કરવામાં ઝીરો રને ક્લીન બોલ્ડ થઈ જનારા વિશ્વભરના વિદ્વાનોને શૂન્યની ભેટ આપીને ભારત દેશે ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે… એટલું જ નહીં ૧ થી ૯ ના અંકની શોધ દ્વારા તો ભારત દેશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે… વેદકાલીન ઋષિમુનિઓએ વેદમંત્રોના આધારે વૈદિકગણિતનું પ્રવર્તન કર્યું… હજારો વર્ષ પૂર્વે હડપ્પાના લોકો અંકગણિત જાણતા હતા અને દ્વિઅંકન પ્રણાલીનો ઉપયોગ કરતા હતા. આ પદ્ધતિમાં કોઈપણ સંખ્યા દર્શાવવા માત્ર બે અંકોની જ જરૂરિયાત હોય છે… પાઈની કિંમત, બીજગણિત (અલ્જેબ્રા), ત્રિકોણમિતિ (ટ્રિગોનોમેટ્રી), અંકગણિત (એરિથમેટિક) અને ગણતરી(કેલ્ક્યુલસ)નો ઉદ્ભવ પણ ભારતમાં થયો છે… ‘દશાંશ પદ્ધતિ’ અને ‘સ્થાન મૂલ્ય પ્રણાલી’ ભારતમાં વિકસાવવામાં આવી… આજે આપણે જેને ‘પાયથાગોરસનો પ્રમેય’ કહીએ છીએ તેની શોધ સર્વપ્રથમ ભારતમાં થઈ.

અંતરીક્ષવિજ્ઞાનનો સર્વપ્રથમ સૂર્યોદય થયો ભારતમાં… વિશ્વના અનેક દેશો જ્યારે અજ્ઞાનની નિંદ્રામાં સુઈ રહ્યા હતા ત્યારે ભારતના પ્રાચીન ઋષિમુનિઓ સૂર્ય-ચંદ્રની પેલે પાર નક્ષત્રોને માપી રહ્યા હતા.. ભારતે જ સમગ્ર વિશ્વને સૂર્ય-ચંદ્રની ગતિ, પૃથ્વીનો વ્યાસ, સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ અને ગુરુત્વાકર્ષણનું જ્ઞાન આપ્યું. આ ઉપરાંત, પૃથ્વી ગોળ છે, તે સૂર્યની આસપાસ ફરે છે અને સૂર્યની પ્રદક્ષિણા કરતા તેને ૩૬૫.૨૫૮૭૫૬૪૮૪ દિવસ લાગે છે… વગેરેની શોધ પણ ભારતમાં થઈ.

મૃતસંજીવની વિદ્યા, પ્રાણવિદ્યા, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, જળજ્ઞાન, તીરંદાજી, અષ્ટસિદ્ધિ, નવનિધિ, ત્રાટક, સંમોહન, જાદુવિદ્યા, સ્તંભન, ઇન્દ્રજાલ, તંત્રવિદ્યા, મંત્રવિદ્યા, સૂક્ષ્મ શરીરમાંથી બહાર નીકળવું, પુનર્જન્મનું જ્ઞાન, અંતર્ધાન થવું, ત્રિકાલદર્શી બનવું… વગેરે જેવી સેંકડો વિદ્યાઓ ભારતમાં જન્મી.

ભાષાજ્ઞાન, લેખન, ગીત, નૃત્ય – નાટક, સંગીત, સ્થાપત્યકલા, ચિત્રકલા, શિલ્પકલા, મૂર્તિકલા, રસોઈ, સાહિત્ય, કપડાં અને આભૂષણોનું નિર્માણ, અત્તર-તેલનું નિર્માણ, બાંધકામ, શહેરનું નિર્માણ, સોયકામ, ગૂંથન, ભરતકામ, સુથારીકામ, સોના-ચાંદી-હીરા અને નીલમણિ જેવા રત્નોની તપાસ કરવી, રત્નકલા, કાલરીપટ્ટુ, નૌટંકી, તમાશા, પોપટ-મેના વગેરેની બોલીઓ બોલવી… વગેરે કળાઓનો જન્મ ભારતમાં થયો.

રમત ગમત અને ખેલકૂદની શરૂઆત ભારત દેશના આંગણામાં થઈ. રમત-ગમતના ક્ષેત્રે ભારતનું કેટલુંક પ્રદાન આજે વૈશ્વિક બની ગયું છે. વર્તમાન જગતમાં પ્રસિદ્ધ અને બુદ્ધિમાનોની રમત તરીકે પંકાયેલી ‘ચેસ’ મૂળ ભારતીય શતરંજ છે. સાપ-સીડી, ગંજીફા, લુડો-પચીસી, કબડ્ડી, ખો-ખો, હોકી, રથદોડ, બળદગાડીની દોડ, નૌકાદોડ, તલવારબાજી, ઘોડેસવારી, મલ્લયુદ્ધ, કુસ્તી, તરણ સ્પર્ધા, ભાલાફેંક, બરછીફેંક, ગોળાફેંક, સંતાકૂકડી, પકડદાવ, સિંહ-બકરી, સમુદ્ર-પર્વત, ગોળ ગોળ ધાણી, ગેડી-દડા, મોય-દાંડી, ગિલ્લી-દંડા, દોરડા કૂદવા, પતંગબાજી… વગેરેની શોધ ભારતમાં થઈ.

ભારતીય આયુર્વેદ વિશ્વનું સૌથી પ્રાચીન આરોગ્ય વિજ્ઞાન છે… પ્રાચીન ભારતીય ગ્રંથોમાં શરીરરચના, ગર્ભવિજ્ઞાન, પાચન, ચયાપચય, શરીરક્રિયાવિજ્ઞાન, ઈટીઓલોજી, આનુવંશિકતા અને રોગપ્રતિકારકતા જેવા વિષયો પણ જોવા મળે છે… એનેસ્થેટિક્સનો ઉપયોગ પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનમાં જાણીતો હતો… ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, સિઝેરિયન, મોતિયાબિંદુ ઓપરેશન, ફ્રેક્ચર, પ્લાસ્ટિક સર્જરી અને મગજની શસ્ત્રક્રિયા વગેરે જટિલ શસ્ત્રક્રિયાઓની શરૂઆત ભારતમાં થઈ.