ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલમાં અવિધા-જરસાડ ગામ વચ્ચે ભુંડવા ખાડી પર સામાન્ય સુપડી (છલીયુ) પરથી લોકો પસાર થાય છે. પરંતુ ચોમાસામાં આ માર્ગ સદંતર બંધ થઈ જાય છે, ત્યારે હવે  ભૂંડવા ખાડી પર પુલ બનાવવાની તાતી જરૂરિયાત વર્તાય રહી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ઉપરવાસના વિસ્તારમાં ચોમાસામાં ઘણા એવા ગામડાઓને જોડતા માર્ગો છે, જે ખાડીઓ ઓવર ફ્લો થતાં અહીના માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ થઈ જવા પામે છે. આવી જ એક સમસ્યા છેલ્લા કેટલા દસકાઓથી અવિધા ગામને સંકલિત ગામના આશરે 12 જેટલા ગ્રામજનો ભોગવી રહ્યા છે.

ઝઘડિયા તાલુકાનું અવિધા ગામ એક મોટા સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. અહીં સીએચસી હોસ્પિટલ, આરોગ્ય વર્ધક મંડળ સંચાલિત ફિઝિયોથેરાપિસ્ટ હોસ્પિટલ, સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ આવેલી છે. અવિધા ગામને 2 મહત્વના ગામોને જોડતા માર્ગો છે, અવિધા-રાજપારડી તેમજ અવિધાથી જરસાડ-પ્રાંકડ-ભાલોદ જેવા ગામોને જોડતો પણ એક માર્ગ છે. અવિધા-જરસાડ-પ્રાંકડ-ભાલોદ ગામને જોડતો રસ્તો વર્ષો પહેલા કરજણ પ્રોજેક્ટના કમાન્ડ એરિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

આ માર્ગ પર ઘણા પુલ બનાવવાના હતા. જે જે તે સમયે બન્યા ન હતા, અને જ્યાં જરૂર હતી, ત્યાં સામાન્ય સુપડી (છલીયુ) જેવું બનાવી દેવામાં આવ્યું હતું. અવિધા જરસાડ પ્રાંકડ ભાલોદ માર્ગ ચોમાસા સિવાયની સિઝનમાં લોકો ઉપયોગ કરે છે. પરંતુ ચોમાસામાં ભૂંડવા ખાડી પર બનેલું સુપડી (છલીયુ) ખાડીમાં વધારે પાણી આવવાના કારણે લગભગ બંધ હાલતમાં રહે છે. જેથી ખાડી ઉપર પુલ તાત્કાલિક બનાવવામાં આવે તેવી 12 જેટલા ગામોની માંગણી છે.

આ બાબતે અવારનવાર સાંસદ સભ્ય, ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી ભુંડવા ખાડી પર પુલ બનાવવાનું કોઈ મુહૂર્ત નીકળ્યું નથી. જેથી હવે અહી વહેલી તકે પુલનું નિર્માણ થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.