કાલોલમાં પોલીસની મોટી કાર્યવાહી

ગેરકાયદેસર કતલખાનું ઝડપી પાડ્યું 

13 જીવતા ગૌવંશને બચાવી લેવાયા

ત્રણ ગૌવંશ કતલ કરેલી હાલતમાં મળ્યા

પોલીસે 22 લોકોની કરી ધરપકડ

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાંથી પોલીસે મોટું કતલખાનું ઝડપી પાડ્યું હતું.અને 22 આરોપીઓની ધરપકડ સાથે 13 જીવતા ગૌવંશને બચાવી લીધા હતા.

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પોલીસે એક ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર ધમધમતુ લાઈવ કતલખાનું ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 13 જીવતા ગૌવંશને બચાવી લીધા છે, જ્યારે સ્થળ પરથી 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ડી. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બી.આર.સી. ભવન સામે આવેલી એક ગલીમાં 10થી વધુ ગૌવંશને ઘાસચારા વિના ક્રૂરતાપૂર્વક બાંધી રાખી તેમની કતલ કરવાની તૈયારી ચાલી રહી છે.

બાતમી મળતાં જ પોલીસે ત્વરિત જગ્યા પર દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન સ્થળ પરથી ત્રણ ગૌવંશ કતલ કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે, પોલીસે સતર્કતા દાખવીને 13 જેટલા જીવતા ગૌવંશને સલામત રીતે બચાવી લીધા હતા. કતલખાના પર હાજર રહેલા તેમજ માંસ લેવા આવેલા 18 મહિલાઓ અને 4 પુરુષો મળીને કુલ 22 લોકોને પોલીસે સ્થળ પરથી જ ઝડપી લીધા છે.

પોલીસે તમામ 22 આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. કાલોલ શહેરમાં પોલીસની આ મોડી રાતની સપાટાબંધ કાર્યવાહી બાદ સમગ્ર પંચમહાલ પંથકમાં ભારે ચર્ચા જાગી છે.