આજે અષાઢ સુદ પૂનમ

ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી

અંકલેશ્વરમાં કરાયુ આયોજન

વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરમાં આવેલ વિવિધ આશ્રમો અને મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

અંકલેશ્વરમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને સમર્પિત ગુરુપૂર્ણિમાના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મંદિરો અને આશ્રમોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો.શહેરના સુપ્રસિદ્ધ રામકુંડ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન, ભજન, સત્સંગ અને મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ અંકલેશ્વરના કબીર આશ્રમ ખાતે પણ ગુરુપૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમમાં યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ગુરુવંદના કરી હતી.

આ ઉપરાંત અંકલેશ્વરના જુના દીવા ગામે આવેલા ભાથીજી મંદિરે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં પાદુકા પૂજન, ભજન અને મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તો ગુરુભક્તિમાં લીન બન્યા હતા. સમગ્ર અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાના પર્વને લઈને ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.