અંકલેશ્વર હાઇવે પર નોબલ માર્કેટ નજીક ઓવરટેક કરવાની બાબતે કાર અને આઇસર ટેમ્પોના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના અનુસંધાને બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણઝારા અને વિશભ રાણા સાથે કારમાં કિચન કબાના હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રેકમાં ચાલતો આઇસર ટેમ્પો અચાનક પહેલા ટ્રેકમાં આવી જતાં કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતો બચી ગયો હતો.આ ઘટનાને પગલે કારચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઉભી રાખી હતી. ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર નીચે ઉતરી કારમાં સવાર યુવકો સાથે ઝપાઝપી કરી હતી. ફરિયાદ મુજબ, લોખંડની પાઇપ વડે વિશાલ રાજપૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઘટનાસ્થળે ભેગા થયેલા કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
બીજી તરફ, કાપોદ્રા ગામની તાજુસરીયા સોસાયટીમાં રહેતા આઇસર ટેમ્પો ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કારમાં સવાર લોકોએ તેમને અને તેમના ક્લીનરને રસ્તામાં રોકી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.આ બનાવ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
