આંગણવાડી વર્કરોનો ઉગ્ર વિરોધ 

માનદ વેતન વધારાની રજૂઆત

સરકાર સામે કર્યા આકરા પ્રહાર

સરકાર જાહેરાત પાછળ કરે છે કરોડોનો ખર્ચ

મહિલા વર્કરોનું મનોબળ તોડતી સરકાર

સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને માનદ વેતન વધારા અંગે રણશિંગુ ફૂંક્યું છે,અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આંગણવાડી કર્મચારીઓ દ્વારા નામદાર હાઇકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાની સ્પષ્ટ માંગ કરી છે.જેમાં વર્કર બહેનોને માસિક રૂપિયા 24,800 ચૂકવવામાં, હેલ્પર બહેનોને માસિક રૂપિયા 20,000 વેતન આપવામાં આવે તેમજ જો પૂરો માનદ પગાર ન મળે તો લઘુત્તમ વેતન ચુકવાય, ઉપરાંત આંગણવાડી કર્મચારીઓને વર્ગ-4 નો કર્મચારી દરજ્જો મળે તેવી માંગ કરી છે.

આંગણવાડી કર્મચારી સંગઠને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. બહેનોનું કહેવું છે કે સરકાર એક તરફ મોટા મોટા જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, જ્યારે બીજી તરફ રાત-દિવસ મહેનત કરતી મહિલા વર્કરોનું મનોબળ તોડવાનું કામ થઈ રહ્યું છે. હાઇકોર્ટ બહેનોના હિતમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરવામાં આનાકાની કરી રહી છે.

આંગણવાડી બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપીને સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડી છે અને સાફ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે મોટું આંદોલન છેડાશે. હવે જોવું એ રહેશે કે સરકાર આંગણવાડી બહેનોની માંગણીઓ સામે શું વલણ અપનાવે છે.