ઉત્તર પ્રદેશના જાણીતા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી દીપક ધરને પ્રતિષ્ઠિત ડિરાક મેડલ માટે સહ-વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સન્માન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રના સર્વોચ્ચ સન્માનોમાનું એક માનવામાં આવે છે. અગાઉ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ સહિતના વૈજ્ઞાનિકોને પણ આ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ICTP અનુસાર, દીપક ધરના સંશોધને એ સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે કે કોઈ સિસ્ટમના નાના-નાના ઘટકો વચ્ચેની સરળ ક્રિયાપ્રતિક્રિયાઓ મોટા પાયે જટિલ અને આશ્ચર્યજનક વર્તન કેવી રીતે પેદા કરી શકે છે.

તેમના સૌથી જાણીતા સંશોધનોમાં સેન્ડપાઈલ મોડેલનો સમાવેશ થાય છે. તેને સરળ ઉદાહરણથી સમજીએ તો, રેતીના ઢગલા પર એક પછી એક દાણા નાખવામાં આવે ત્યારે મોટાભાગે કંઈ ખાસ થતું નથી અથવા નાની હિલચાલ થાય છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં માત્ર એક વધારાનો દાણો સમગ્ર ઢગલામાં મોટો ધસારો કે પતન સર્જી શકે છે. ધરના સંશોધને આવી જટિલ ઘટનાઓ પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજવામાં મહત્વપૂર્ણ મદદ કરી છે.

દીપક ધરએ  કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી PhDની ડિગ્રી પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેમણે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં ઘણા વર્ષો સુધી સંશોધન કર્યું. વર્ષ 2016માં તેઓ IISER પૂણે સાથે જોડાયા.

2024થી તેઓ TIFRના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિઓરેટિકલ સાઇન્સીસમાં INSA પ્રોફેસર તરીકે કાર્યરત છે. ધરને અગાઉ પણ અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળી ચૂક્યા છે. તેમાં 2023નો પદ્મ ભૂષણ, 2022નો બોલ્ટઝમેન મેડલ  — જે તેમણે John Hopfield સાથે સંયુક્ત રીતે મેળવ્યો — અને 1991નો શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ સામેલ છે.

સરળ રેતીના ઢગલાના ઉદાહરણથી જટિલ પ્રકૃતિના નિયમોને સમજાવનાર દીપક ધરનું આ સન્માન ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર માટે પણ મોટી સિદ્ધિ છે.