અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ઉજવણી
આદિવાસી પરંપરા દ્વારા દિવાસાની પરંપરાગત ઉજવણી
નારિયેળ ટપ્પા દાવની ભવ્ય રમત રમવામાં આવી
રાજાશાહીના સમયની પરંપરા આજે પણ જીવંત
પરંપરા, ભાઈચારો અને ઉત્સવનો અનોખો સંગમ રચાયો
વલસાડના ધરમપુરમાં અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ખાસ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ નારિયેળ ટપ્પા દાવની રમત રમી દિવાસાની હોંશભેર ઉજવણી કરી હતી.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં દિવાસાના પવિત્ર પર્વે આદિવાસી સંસ્કૃતિનો એક અનોખો રંગ જોવા મળે છે. રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ અહીં ‘નારિયેળ ટપ્પા દાવ’ની ભવ્ય રમત રમવામાં આવે છે.
ધરમપુરના મુખ્ય એવા સમડી ચોક અને હાથીખાના વિસ્તારમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો એકઠા થાય છે. રમતનો નિયમ એકદમ રસપ્રદ છે.બજારમાંથી નારિયેળ ખરીદીને એકબીજા સાથે અથડાવવાનું! જેનું નારિયેળ ફૂટી જાય, તેણે પોતાનું નારિયેળ સામેવાળા વિજેતાને આપી દેવાનું હોય છે.
આ વર્ષે પણ આદિવાસી સમાજે ભારે ઉલ્લાસથી આ પર્વ ઉજવ્યો હતો.અંદાજે 25 હજારથી વધુ નારિયેળથી આ ટપ્પા દાવ રમાયો હતો, જેમાં લગભગ 15 લાખ રૂપિયાના નારિયેળનું વેચાણ થવાનું અનુમાન છે. પરંપરા, ભાઈચારો અને ઉત્સવનો આ અનોખો સંગમ ધરમપુરની ઓળખ બની રહ્યો છે.
