ભાવનગરની યજુર્વી જોશીએ જીત્યા બે ગોલ્ડ મેડલ
વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં જીત્યા ગોલ્ડ મેડલ
હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપમાં સ્વર્ણિમ સફળતા
ગોલ્ડન ગર્લ યજુર્વી જોશીનો મોટો સંકલ્પ
અમદાવાદ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું લક્ષ્ય
ભાવનગરની દીકરી યજુર્વી જોશીએ અમદાવાદ ખાતે આયોજિત પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં બે સુવર્ણ ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાવનગરની યજુર્વી જોશીએ બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. વર્ષ 2019થી યોગાસનની શરૂઆત કરનાર યજુર્વીએ શિસ્તબદ્ધ તાલીમ અને અથાક પરિશ્રમના બળે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યજુર્વીનું આગામી લક્ષ્ય 2036ના અમદાવાદ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.
કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનનો સમાવેશ થતાં જ તેણે પોતાની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેનાર ખેલાડીઓને સરકાર તરફથી રૂપિયા 75,000ની આર્થિક સહાય તથા મેડલ વિજેતાઓને વિશેષ પુરસ્કારોથી નવાજવામાં આવે છે. પરિવારનો સાથ અને સરકારનું આ પ્રોત્સાહન જ તેની સફળતાનો મુખ્ય આધાર છે.
યજુર્વીની આ સિદ્ધિ સાબિત કરે છે કે યોગ્ય તક અને મક્કમ નિર્ધાર હોય તો સ્વપ્ન ચોક્કસ સાકાર થાય છે. ગુજરાતનું આકાર પામી રહેલુ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ નવી પેઢીના ખેલાડીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે.
