કાપડનગરી સુરતનો ચકચારી બનાવ
વ્યાજખોરોની દાદાગીરી સામે આવી
વ્યાજે આપેલા રૂપિયા બાબતે માર મરાયો
વિડીયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ
પોલીસે આરોપીઓની કરી ધરપકડ
સુરતમાં વ્યાજખોરોની દાદા ગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતમાં ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે જમીન દલાલને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. વાયરલ વીડિયો સુરતના મોટા વરાછા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.ઉતરાણમાં રહેતા જમીન દલાલ કેતન વાઘાણીએ તારક કોશિયા પાસેથી રૂ. 3 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી રૂ. 1.50 લાખ પરત ચૂકવી દીધા હતા, જ્યારે બાકીની રકમ માટે સમય માંગ્યો હતો.
આ દરમિયાન રૂપિયાની પતાવટ મામલે કેતનભાઈને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ શખ્સોએ તેમની સાથે ગાળાગાળી કરી માર માર્યો હોવાનો આક્ષેપ છે. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.સમગ્ર મામલે કેતનભાઈ વાઘાણીએ તારક કોશિયા અને તેના સાગરીતો વિરુદ્ધ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ઉતરાણ પોલીસે કાર્યવાહી કરી મૌલિક ચૌહાણ, માનવ કોશિયા અને તારક કોશિયાની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
