અરીસાની બાજુમાં લખી લીધા જેવી અગત્યની વાત તો એ છે કે વેદલીન સમાજમાં જ્ઞાનપ્રાપ્તિનું મહત્ત્વ અનેરું હતું. જેનો ઉલ્લેખ કરતાં ઋગ્વેદ કહે છે કે,

युवा सुवासाः परिवीत आगात्स उ श्रेयान्भवति जायमानः ।

तं धीरासः कवय उन्नयन्ति स्वाध्यो मनसा देवयन्तः ॥ ( ऋग्वेदः … ३/८/४ )

“કોઈપણ મનુષ્ય વિદ્યાની ઉત્તમ શિક્ષા અને બ્રહ્મચર્ય વિના દીર્ઘાયુ કે સભાને યોગ્ય વિદ્વાન થઈ શકતો નથી તેમજ તે મનુષ્ય કોઈ સત્કાર પામવાને યોગ્ય બનતો નથી. જે મનુષ્યની ધાર્મિક વિદ્વાનો પ્રશંસા કરે છે તે જ વિદ્વાન છે.”

અથર્વવેદમાં કહ્યું છે કે,

मा गतानामा दीधीथा ये नयन्ति परावतम्।

आ रोह तमसो ज्योतिरेह्या ते हस्तौ रभामहे ॥ ( अथर्ववेद … ८/१/८ )

“અજ્ઞાન-અંધકારમાંથી બહાર નીકળીને જ્ઞાન-પ્રકાશ તરફ ગતિ કરો.

એટલું જ નહીં, પ્રાચીન ભારતીય સમાજમાં શિક્ષણ અનિવાર્ય હતું. ‘Education in Ancient India’ પુસ્તકમાં અનંત સદાશિવ અલ્તેકરના ઉલ્લેખ પ્રમાણે વેદકાલીન વ્યવસ્થામાં દરેક આર્ય પુરુષ અને સ્ત્રી માટે શિક્ષણ ફરજિયાત હતું. વળી, શિક્ષણમાં પણ વેદજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ અગત્યનું ગણાતું… શતપથ બ્રાહ્મણનો એક શ્લોકાંશ છે કે… विद्वांसो हि देवाः उच्यन्ते । (शतपथ ब्राह्मण… ३-७-३-१०) અર્થાત્ વેદાધ્યયન દ્વારા વિદ્વાન થયેલો પુરુષ દેવ કહેવાય છે.

“यावन्तं ह वै इमां पृथिवीं वित्तेन पूर्णां ददत् लोकं जयति त्रिभिस्तावन्तंजयति, भूयांसंचअक्षय्यंचयएवंविद्वान् अहरह: स्वाध्यायमधीते, तस्मात्स्वाध्यायोऽध्येतव्यः । (शतपथ ब्राह्मण… ११ – ५ – ६ – ३ )

“ધન – ધાન્યથી પરિપૂર્ણ પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે, એવું જ ફળ વેદોનું અધ્યયન કરવાથી મળે છે. વેદનો અધ્યેતા માનવી શાશ્વત અક્ષય લોકને પ્રાપ્ત કરે છે.

હિંદુ ધર્મની એક અનોખી વૈદિક પરંપરા છે કે, “પ્રત્યેક વ્યક્તિ ત્રણ વર્ગનો ઋણી હોય છે… દેવતા, ઋષિ અને પૂર્વજ… યજ્ઞ કરીને દેવતાઓના, બ્રહ્મચર્યનું પાલન કરીને વેદાધ્યયન વડે ઋષિઓના અને પ્રજોત્પત્તિ કરીને – સંતાનને સારી શિક્ષા આપીને પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે.”

Indische Studien નામના પુસ્તકમાં અલ્બ્રેક્ટ વેબર લખે છે કે… “ઋગ્વેદની નરાંશસ ગાથાઓ અને દાનસ્તુતિઓ ઇતિહાસના મૂળ સ્રોત છે. જ્યારે પણ શિક્ષણનો અતીત નિહાળવામાં આવશે તો તેમાં ઋગ્વેદ અને અન્ય સંહિતાઓનો ઉલ્લેખ કરવો જ પડશે.”

વેદોના પ્રાચીન ભાષ્યકાર સાયણાચાર્યના મતે… “લૌકિક પદાર્થને જોવા માટે જેવી રીતે આંખો જરૂરી છે. તેવી જ રીતે, અલૌકિક તત્ત્વોને જાણવા માટે વેદ રૂપી નેત્રો જરૂરી છે. વેદ માનવમાત્રને અભીષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટથી દૂર રહેવાનો ઉપાય બતાવે છે.”

વેદવિદ્યા પ્રાપ્ત કરવાની પિપાસાએ તત્કાલીન પ્રજાને વેદજ્ઞાની ઋષિમુનિઓ પાસે જવાનો રસ્તો બતાવ્યો. જેના પરિણામે અનેક મનુષ્યો બ્રહ્મચર્યાશ્રમ એટલે કે કિશોરાવસ્થા દરમિયાન જ અરણ્યમાં નિવાસ કરતા ઋષિમુનિઓ પાસે જવા લાગ્યા અને તેમની સમીપે રહીને બ્રહ્મવિદ્યા રૂપી વેદજ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યા. સમસ્ત માનવ સમાજના શ્રેય અને પ્રેય માટે ઋષિમુનિઓના હૃદયમાં બ્રહ્મવિદ્યાના દાનરૂપી પરોપકારનું નિઃસ્વાર્થ નિઝરણું વહી રહ્યું હતું. જ્યારે સ્વજીવનમાં સુખ શાંતિનો ખજાનો અર્પનારી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે માનવીના હૃદયમાં શ્રદ્ધાની સરવાણી વહી રહી હતી. પરોપકારનું ઝરણું અને શ્રદ્ધાની સરવાણી.. આ બંનેના સુભગ મિલનથી એક પુનિત પરંપરા પ્રગટી… ગુરુ શિષ્ય પરંપરા… ઋષિ ગુરુ બન્યા અને એમની પાસે આ ભાગવતી વેદવિદ્યાનું અધ્યયન કરનાર શિષ્ય બન્યા. અને એનાથી ગુરુ – શિષ્ય પરંપરા શરુ થઈ. ગુરુ – શિષ્ય પરંપરા દ્વારા ગુરુકુલનો પ્રારંભ થયો. હજારો વર્ષથી જે ગુરુકુલ પરંપરા વહેતી આવે છે, જેને આપણે ભારતીય સંસ્કૃતિના અનિવાર્ય અંગ તરીકે ઓળખીએ છીએ તેનો પાયો વેદયુગમાં નંખાયો. અવનિના આંગણામાં ગુરુકુલના સાથિયા પુરાયા… ધરણીના નગારાં પર ગુરુકુલની દાંડી વાગી અને તેના પડઘા આખા બ્રહ્માંડમાં સંભળાયા. ઇતિહાસના બેલ પર ગુરુકુલના ડંકાનો નાદ એવો ઊઠ્યો કે જે આજ દિન સુધી પૃથ્વી પર શાશ્વતપૂર્ણ સાકારિત થઈ સંભળાઈ રહ્યો છે. આવો… પૃથ્વીના પટ પર સર્વપ્રથમ સહજ રીતે ઉજવાયેલા ગુરુકુલના આ ઓપનિંગ સેરેમનીને સેલ્યુટ કરી દઈએ અને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. જે તાલી ન પાડે તેને ટાલ પડવાની સો ટકા ગેરંટી. તાલ નહીં તો ટાલ બીજું શું !!

ગુરુકુલ શબ્દનો અર્થ જ છે… ગુરુનું કુળ. ‘કુલ’ એટલે વંશ કુટુંબ. શાસ્ત્રોના મતે વંશ બે પ્રકારના છે. वंशो द्विधा विद्यया जन्मना च। વિદ્યા અને જન્મથી… શિષ્ય વિદ્યાગ્રહણને લીધે ગુરુના વંશજ છે અને પુત્ર જન્મગ્રહણ કરવાને કારણે પિતા – ગુરુનો વંશજ છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા દ્વારા અનુસરવામાં આવતી વંશ પરંપરાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જન્મ-પરંપરામાં ઉત્પન્ન પુત્ર-પૌત્રાદિકની સરખામણીમાં વિદ્યા-પરંપરામાં ઉત્પન્ન શિષ્ય-પ્રશિષ્યાદિકની ઉત્કૃષ્ટતા દર્શાવવામાં આવી છે. આના પરથી સૂચિત થાય છે કે જન્મથી વંશ પરંપરા ચાલુ રહે તો પણ જો તેમાં પુત્ર વિદ્યાહીન હોય તો તેનાથી માનવીનું એટલું શ્રેય નથી થઈ શકતું કે જેટલું શ્રેય જન્મથી વંશપરંપરાનો નાશ થયા પછી પણ વિદ્યાવંશપરંપરામાં જન્મીને અલૌકિક – પારલૌકિક રીતે પ્રાપ્ત કરી શકાય છે. ગુરુ સાંદીપનિની વંશપરંપરા નાશ પામી હતી, પરંતુ વિદ્યાવંશ પરંપરામાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણચંદ્રે યમરાજ પર વિજય મેળવીને, તેમના મૃત પુત્રને સંયમની પુરીમાંથી પાછો લાવીને, જન્મવંશ પરંપરાને અબાધિત રાખી. ગુરુ દ્રોણાચાર્યને પોતાના પુત્ર અશ્વત્થામા કરતાંય શિષ્ય અર્જુન પર વિશેષ લગાવ હતો. માટે, ડિવિનિટીની ડીક્ષનરીમાં જન્મવંશપરંપરા કરતા વિદ્યાવંશપરંપરા વધારે વેલીડ છે.

બૌધાયન ધર્મસૂત્રમાં આ જ વાત લખવામાં આવી છે કે… सुश्रवाः (શ્રમપૂર્વક વેદાધ્યાયી) અને अनुचान (શબ્દતઃ વેદનો અધ્યાયી) द्वयमु ह वै सुश्रवसोऽनूचानस्य रेतो ब्राह्मणस्योर्ध्व नाभेरधस्तादन्यत् । स यदूर्ध्वं नाभेस्तेन हैतत् प्रजायते यद् ब्राह्मणानुपनयति, यदध्यापयति, यद्याजयति, यत्साधु करोति, सर्वास्यैषा प्रजा भवति । अथ यदवाचीनं नाभेस्तेन हास्यौरसी प्रजा भवति, तस्माच्छ्रोत्रियमनूचानमप्रजोऽसीति न वदन्ति । (बौधायन धर्मसूत्र… १/११/१५) “ગુરુજનોમાં બે વીર્ય હોય છે. પ્રથમ વીર્ય પ્રાણવાયુ રૂપે છે, જે નાભિની ઉપર રહે છે. તે નાભિમાંથી નીકળીને ઉપર તરફ ગતિ કરીને મુખ દ્વારા ઘણા પ્રકારના શબ્દોનો અભિવ્યંજક છે. બીજું, શરીરના નીચેના ભાગમાં રહીને નાભિની નીચે ઉત્પન્ન થઈને વીર્યત્યાગનું કારણ છે. આમાં પ્રથમ વીર્યથી ઉપનયન, અધ્યાપન, યાજન અને સાધુવૃત્તિ… એમ ચાર પ્રકારે પ્રજાઓ જન્મે છે. આ પ્રજા અદ્વિતીય શક્તિ યુક્ત છે. પ્રજાનો આ શ્રેષ્ઠતર જન્મ છે. જેના કારણે જીવને અન્ય દેહમાં પણ સ્વર્ગપ્રાપ્તિ થાય છે. બીજું વીર્ય જે નાભિની નીચે છે, તેનાથી જે સંતાન જન્મે છે, તેને ઔરસ કહેવામાં આવે છે. વિદ્વાનોના મતે શ્રોત્રિય ગુરુ પાસે ઉપરોક્ત અધ્યાપનમુલક ચાર સંતતિ હોવાથી ઔરસ સંતતિના અભાવમાં પણ તે નિઃસંતાન નથી.”

માટે, ગુરુને શિષ્ય પોતાના પુત્ર કરતાં પણ વધુ વહાલો હોય છે અને તે પુત્રની ગેરહાજરીમાં ગુરુને પુત્રવાન્ બનવાનું સૌભાગ્ય આપે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેના આ બિયોન્ડ ધ બ્લડ રીલેશન સંબંધના લીધે ગુરુકુલનો પાયો પરમેનેન્ટ પૂર્ણ બની ગયો છે. अंततो गत्वा ઊડીને આંખે વળગે એવી સહજ રીતે સાબિત થાય છે કે… ગુરુકુલ એટલે ગુરુ-શિષ્ય પરંપરા અને ગુરુ શિષ્ય પરંપરા એટલે ગુરુકુલ. ગુરુકુલનો પર્યાય ગુરુ-શિષ્ય પરંપરા છે અને ગુરુ-શિષ્ય પરંપરાનો પર્યાય ગુરુકુલ છે. ટૂંકમાં, ગુરુકુલ પરંપરા અને ગુરુ-શિષ્ય પરંપરા બંને એક જ છે.

AI IMAGE

ભગવદ્ ગોમંડળ પ્રમાણે ગુરુકુલ શબ્દના ત્રણ મુખ્ય અર્થ થાય છે…. ૧. ગુરુનું રહેઠાણ, શિક્ષકને રહેવાનું સ્થાન. ૨. ગુરુને ઘેર કુટુંબી તરીકે રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે જ્યાં શિક્ષણ અપાતું હોય એવી શિક્ષણસંસ્થા, વિદ્યાધામ. ૩. વિદ્યાર્થીગૃહવાળું વિશ્વવિદ્યાલય.

ઉપરોક્ત ત્રણેય અર્થમાં વપરાયેલા ‘રહેઠાણ’, ‘ઘર’, ‘ગૃહ’… શબ્દો ગુરુકુલનો ઘર સમાન નિર્દેશ કરે છે. વિદ્યાર્થીઓને જગતના વિપ્લવ અને વિદ્રોહના વાતાવરણમાં રાખવા તેમના વિકાસ માટે હાનિકારક છે, પરંતુ તેમને પારિવારિક વાતાવરણથી અલગ રાખવા એ પણ તેમના વિકાસ માટે ફાયદાકારક નથી. તેથી જ તેમને જગતના વાતાવરણથી દૂર કરવામાં આવે છે, પણ પરિવારના વાતાવરણમાંથી દૂર કરવામાં આવતા નથી. તેઓને તેમના માતાપિતાના નાના પરિવારમાંથી ગુરુના મોટા પરિવારમાં પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં ગુરુ તેના માતા-પિતા બને છે અને સહપાઠી શિષ્યો તેના ભાઈઓ બને છે. આ દ્રષ્ટિકોણથી ગુરુકુલનો ગૂઢાર્થ નથી માત્ર કુટુંબ વિશેષ કે નથી માત્ર શિક્ષણ વિશેષ, પણ શિક્ષણ ક્ષેત્રે કૌટુંબિક ભાવનાનું વિસ્તરણ છે… વિદ્યાલય અલગ છે અને ગૃહાલય (ઘર) અલગ છે. પરંતુ, ગુરુકુલમાં આ બંનેનો સમન્વય કરી ઘર જેવા વાતાવરણમાં પારિવારિક પ્રેમથી વિદ્યાદાન કરવામાં આવે છે. વેદમાં એવા ઘણા ઉદાહરણો જોવા મળે છે, જેમાંથી જાણી શકાય છે કે પ્રાચીનકાળે ભારતમાં ગુરુઓ દ્વારા સંગઠિત રીતે વિદ્યાદાન કરાતું હતું, શિક્ષણ આપવામાં આવતું હતું. વૈદિક સાહિત્યના ઉલ્લેખ પ્રમાણે ગુરુજનો વૈયક્તિક રૂપે ગુરુકુલમાં, આશ્રમમાં કે પોતાના મઠમાં સ્વયં પોતે જ શિષ્યોને શિક્ષણ આપતા હતા. ઋગ્વેદમાંથી મળતા સંકેતના આધારે ગુરુકુલ એટલે આપણે એક એવી પાઠશાળા કે સંસ્થાનું અનુમાન કરી શકીએ કે જેમાં નિઃસ્વાર્થ ભાવે શિક્ષણ અપાતું હોય. અત્યંત ઓજસ્વી વાણીમાં પ્રાચીન ભારતનું વર્ણન કરનારા શ્રીમૈથિલીશરણ ગુપ્ત નામના કવિ ‘भारत-भारती’ નામના ગ્રંથમાં ગુરુકુલ વિશે લખે છે કે…

मृग और सिंह गुरुकुलो में साथ ही फिरने लगे,

शुचि होम-धूप उठे कि सुन्दर सुरभि घन घिरने लगे ।

ऋषि-मुनि मुदित मन से यथा-विधि हवन क्या करने लगे-

उपकारमूलक पुण्य के भण्डार-से भरने लगे ॥

वे सौम्य ऋषि-मुनि आजकल के साधुओं-जैसे नहीं,

कोई विषय जिनसे छिपा हो विज्ञ वे ऐसे नहीं ।

हस्तामलक जैसे उन्हें प्रत्यक्ष तीनों काल हैं,

शिवरूप हैं, तोड़े उन्होंने बन्धनों के जाल हैं ॥

वे ग्रन्थ जो सर्वत्र ही गुरुमान से मण्डित हुए-

पढ़कर जिन्हें संसार के तत्त्वज्ञ-जन पण्डित हुए ।

जो आज भी थोड़े-बहुत हैं नष्ट होने से बचे,

हैं वे उन्हीं तप के धनी ऋषि और मुनियों के रचे ॥

कुशपाणि पाकर भी उन्हें डरता स्वयं वज्री सदा ।

है तुच्छ उनके निकट यद्यपि उस सुरप की सम्पदा ।

यद्यपि उटजवासी तदपि वह तत्त्व उनके पास है,

आकर अलेक्जेण्डर सदृश सम्राट् बनता दास है ! ॥

विद्यार्थियों ने जागकर गुरुदेव का वन्दन किया,

निज नित्यकृत्य समास करके अध्ययन में मन दिया ।

जिस ब्रह्मचर्य व्रत बिना हैं आज हम सब रो रहे-

उसके सहित वे धीर होकर वीर भी हैं हो रहे ॥

આ ગુરુકુલોમાં વિદ્યાજ્ઞાતા એવા ઋષિમુનિ-ગુરુજનોના સાનિધ્યમાં જ્ઞાનદાનનો અખંડયજ્ઞ થતો. કારણ કે, ગુરુકુલમાં આવેલા છાત્રને અભ્યાસ કરવો એ વિવશતા નહોતી, વિદ્વાન આચાર્યો માટે અધ્યયન કરાવવું એક પેશો નહોતો. પરંતુ , છાત્ર માટે અધ્યયન અને ઋષિમુનિ-આચાર્ય માટે અધ્યાપન એ પરમ પવિત્ર કર્તવ્ય હતું, એક પ્રકારનો યજ્ઞ હતો. નિત્ય સંધ્યાકાળે જ્ઞાન-વિજ્ઞાનની ચર્ચા માટે સાયંસભા યોજાતી. જીવનમાં જરૂરી તમામ કળાઓની યોગ્ય તાલીમ આ ગુરુકુલમાં આપવામાં આવતી હતી. સર્વાંગી તાલીમને કારણે બધા વિદ્યાર્થીઓ અનેક પ્રકારની શક્તિ સંપાદિત કરતા. વ્યવહારપૂર્ણ જીવનદૃષ્ટિ પામેલા વિદ્યાર્થીઓ સંસારજીવનમાં ઝંપલાવે ત્યારે પૂરા સક્ષમ બની જતા. પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રાર્થના ત્રણેયનું મહત્વ સમજી લેતા. તેથી, સંસારમાં સુખસંપત્તિ મેળવવા છતાં તેઓ શુદ્ધ-સાત્ત્વિક જીવન થકી મુક્તિનો આસ્વાદ માણી શકતા અને મનથી બંધનમુક્ત રહી શકતા.

ગુરુ અને શિષ્યના અનોખા શાંતિમય સંબંધોથી રચાયેલા આ ગુરુકુલનું મૂળ અને મુખ્ય માધ્યમ હતું… વિદ્યાદાન શિક્ષણ. એટલા માટે તો “ગુરુકુલ” શબ્દ સાંભળતા જ આપણો મન મોરલિયો પ્રાચીન ભારતીય શિક્ષણના શિખરે જઈને ટહુકા કરવા માંડે છે.

પ્રાચીન ભારતીય શિક્ષણમાં ગુરુકુલની ભૂમિકા મહત્ત્વની રહી છે.

પ્રાચીન ભારતીય શિક્ષણનો પ્રાણ છે… ગુરુકુલ

પ્રાચીન ભારતીય શિક્ષણનો પાયો છે… ગુરુકુલ

ગુરુકુલમાંથી પ્રસારિત વિદ્યા-શિક્ષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સમાજનું સંવર્ધન થયું. કારણ કે, ટ્રુથફુલ આ ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ સંસ્કૃતિ અને સમાજની સર્વ વ્યવસ્થાઓનું રૂટ છે. જેવી રીતે, વૃક્ષના મૂળમાં સિંચેલું પાણી તેના થડ, શાખા પર્ણ અને ફળ… વગેરે ભાગ સુધી પહોંચીને વૃક્ષનો સંપૂર્ણ વિકાસ કરે છે. તેવી જ રીતે, સમાજની અર્થવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, પરિવારવ્યવસ્થા, ન્યાયવ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓનું મૂળ ભારતીય ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ છે.

આ ગુરુકુલ શિક્ષણ પ્રણાલી સુદ્રઢ થવાથી પ્રાચીન ભારતનો સર્વાંગ સંપૂર્ણપણે વિકાસ થયો.

ગુરુકુલ દ્વારા સંસ્કૃતિ અને સમાજનું પૂર્ણ પોષણ થવાથી ભારત ભવ્ય બન્યું.

ભારતની ભવ્યતામાં અજોડ યોગદાન આપનાર આ ગુરુકુલનો સુવર્ણ સૂરજ આજ દિન સુધી સુપરસ્ટાર સમાન ચમકી રહ્યો છે.