આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહી હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ફરાર આરોપી અને કથિત ડ્રગ કિંગપિન વીરેન્દ્ર સિંહ બસોયાને UAEથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. UAEમાં જૂન 2026માં ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. 14 ઓગસ્ટે તે દિલ્હી પહોંચતા NCBએ તેને કસ્ટડીમાં લીધો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બસોયાના ભારત પરત લાવવામાં આવવાને નશીલા પદાર્થો સામેની સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિમાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. તેમણે જણાવ્યું કે વિદેશમાં છુપાયેલા ડ્રગ્સ ટ્રાફિકર્સને શોધી તેમનું સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. બસોયાને ‘ઓપરેશન ગ્લોબલ-હન્ટ’ હેઠળ ભારત લાવવામાં આવ્યો છે.

ઓક્ટોબર 2024માં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસ દરમિયાન ગુજરાતના અંકલેશ્વર સુધી ડ્રગ્સ નેટવર્કના તાર પહોંચ્યા હતા. 13 ઓક્ટોબરે અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાં દરોડા દરમિયાન આશરે 518 કિલો કોકેઈન, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹5,000 કરોડ હોવાનું જણાવાયું હતું, જપ્ત કરવામાં આવ્યું હતું. તે સમયે દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.આ કેસમાં દિલ્હી, હાપુર, ગાઝિયાબાદ અને અંકલેશ્વરમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 1,300 કિલોથી વધુ કોકેઈન, મેફેડ્રોન અને હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત થયો હતો. NCBના જણાવ્યા અનુસાર, આ અલગ તપાસમાં બસોયાની કથિત ભૂમિકા ડ્રગ્સની ખરીદી, પરિવહન, સ્ટોરેજ અને વિદેશમાં વિતરણ સાથે જોડાયેલી હતી.

વિદેશથી નેટવર્ક ચલાવવાનો આરોપNCBની તપાસ અનુસાર બસોયા વિદેશમાં રહીને સિન્ડિકેટની કામગીરીનું સંકલન કરતો હોવાનો આરોપ છે. ખાસ કરીને મેફેડ્રોનના જથ્થાને ભારતમાંથી અન્ય દેશોમાં મોકલવાની વ્યવસ્થામાં તેની મહત્વની ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. NCBના અન્ય એક કેસમાં પુણે અને દિલ્હીમાં મળીને આશરે 1,837 કિલો મેફેડ્રોન જપ્ત થયાનું પણ જણાવાયું છે.બસોયા હવે NCBની કસ્ટડીમાં હોવાથી અંકલેશ્વર કનેક્શન અંગે તેની પૂછપરછ તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. ડ્રગ્સનું ઉત્પાદન, સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહારો અને વિદેશી નેટવર્ક સાથેના કથિત જોડાણ અંગે એજન્સી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી શકે છે.