પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિ કરવાનો રહ્યો અનેરો મહિમા
સુરતના શ્વેતનાથ મહાદેવ મંદિર-શિવ શક્તિ મંડળનું આયોજન
પરંપરાગત કાવડ યાત્રા ભરૂચના નર્મદા કિનારે આવી પહોંચી
36મા વર્ષમાં પ્રવેશેલી યાત્રામાં 400થી વધુ કાવડિયા જોડાયા
કાવડ યાત્રાના કારણે શહેરમાં છવાયો હતો ભક્તિમય માહોલ
સુરતના શ્વેતનાથ મહાદેવ મંદિર અને શિવ શક્તિ મંડળ દ્વારા નીકળેલી પરંપરાગત કાવડ યાત્રા ભરૂચના નર્મદા કિનારે આવી પહોંચી હતી. 36મા વર્ષમાં પ્રવેશેલી આ કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયાઓ જોડાયા હતા.

સુરત શહેરના ઉધના વિસ્તાર સ્થિત શ્વેતનાથ મહાદેવ મંદિર મંડળ સંઘ દ્વારા આયોજિત 3 દિવસીય કાવડ યાત્રા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે યોજાઈ હતી. ઉધનાથી શરૂ થયેલી આ કાવડ યાત્રા ભરૂચના નર્મદા કિનારે આવી પહોંચી હતી, જ્યાં કાવડિયાઓએ નર્મદા નદીમાંથી પવિત્ર જળ ભરી પરત યાત્રા શરૂ કરી હતી. માર્ગમાં આવતા વિવિધ શિવાલયોમાં નર્મદા જળથી મહાદેવનો અભિષેક કરી કાવડિયાઓએ શિવભક્તિમાં લીન થઈ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા.
મહત્વનું છે કે, માત્ર 11 કાવડિયાઓથી શરૂ થયેલી આ પરંપરાગત યાત્રામાં આજે 400થી વધુ ભક્તો જોડાઈ ચૂક્યા છે. તો બીજી તરફ, બીજી તરફ, સુરતના શિવ શક્તિ મંડળની કાવડ યાત્રા પણ ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચી હતી. કાવડિયાઓએ મહાદેવના દર્શન કરી નર્મદા નદીમાંથી પવિત્ર જળ કાવડમાં લઈ સુરત તરફ પરત રવાના થયા હતા. ભરૂચ શહેરમાંથી પસાર થયેલી બન્ને કાવડ યાત્રાઓના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય માહોલ છવાયો હતો.
