સુરતના વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોક કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ એકબાદ એક તમામની તબિયત લથડી હતી.

બહારથી મંગાવેલું જમવાનું એક હસતા-રમતા પરિવાર માટે કાળ સાબિત થયું હતું. શનિવારે રાત્રે બહારથી મંગાવેલું ભોજન આરોગ્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઇઝનિંગ થયું હતું. સારવાર દરમિયાન માત્ર પાંચ  વર્ષની માસૂમ બાળકી આર્યાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા-પિતા અને બે દીકરીઓ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે.

રેસ્ટોરન્ટના વાસી કે દૂષિત ભોજનને કારણે માસૂમ દીકરીનો જીવ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો અને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તંત્ર પાસે ‘શીતલ રેસ્ટોરન્ટ’ સામે કડકમાં કડક તપાસ કરી ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.