સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામના શ્રી મહાવીર પેલેસમાં સોસાયટીનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થતાં 4 વર્ષના માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામના શ્રી મહાવીર પેલેસમાં એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે, જ્યાં સોસાયટીનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થતાં 4 વર્ષના માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક બાળકની ઓળખ સની કુમાર તરીકે થઈ છે, જે પોતાની માતા સાથે આશરે બે મહિના પહેલાં જ સુરત આવ્યો હતો અને તેનો પરિવાર શ્રી મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો. બાળક રમતા રમતા ગેટ નજીક પહોંચ્યો ત્યારે જ લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલો ગેટ અચાનક તેના પર પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ગેટની જર્જરિત હાલત અંગે અને તેની મરામત કરાવવા માટે અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. અકસ્માત બાદ વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી કે સોસાયટીના CCTV કેમેરા પણ બંધ હાલતમાં હતા, જેને કારણે સમગ્ર ઘટના અને સંચાલકોની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.