પાવરગ્રીડ લાઇન એટલે વીજળી મોકલવાના મોટા તાર અને ટાવર. આ લાઇન પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવે છે. ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી આ લાઇન અને યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે.

ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવરગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધના પગલે અંકલેશ્વર-ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે 2થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

અસરગ્રસ્ત ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. હવે ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, પાવરગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવામાં આવે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આખરે રેલીને આગળ રવાના કરવામાં આવી હતી. તો બીજી તરફ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઘર્ષણ બાદ અંકલેશ્વર-હાંસોટ તેમજ જંબુસર-આમોદ પંથકના ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.