સુરતના વરાછામાં ખોરાકી ઝેરની ગંભીર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મહાનગરપાલીકાનું ફૂડ સેફટી અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે.અને શહેરના તમામ 9 ઝોનમાં 330 હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાનું ફૂડ સેફ્ટી અને આરોગ્ય વિભાગ પૂરેપૂરું એલર્ટ મોડમાં આવી ગયું છે. વરાછા વિસ્તારની ‘શીતલ રેસ્ટોરન્ટ’નું અખાદ્ય ભોજન આરોગવાથી એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઇઝનિંગ થયું હતું, જેમાં એક માસૂમ બાળકીનું મોત નિપજતાં સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ હરકતમાં આવેલા તંત્રે આખા શહેરમાં કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે.
શીતલ રેસ્ટોરન્ટમાં થયેલી ગંભીર બેદરકારી બાદ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ કરી દીધી છે.SMC ની અલગ-અલગ ટીમો બનાવી શહેરના તમામ 9 ઝોનમાં એક સાથે હોટલ અને રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ સઘન તપાસ ઝુંબેશ દરમિયાન આરોગ્ય વિભાગે કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સ્થળ પર જઈ કિચન, વાસી ખોરાક અને સ્વચ્છતાનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ ભારે ગંદકી અને અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા.
નિયમોના ધજાગરા ઉડાડતી 17 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ્સને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવી છે. જ્યારે અન્ય ખામીઓ અને બેદરકારી બદલ 208 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, કાયદાકીય કડક કાર્યવાહી કરતા તંત્રે દંડ પેટે કુલ રૂપિયા 4 લાખ 17 હજાર 500નો વસૂલાત કર્યો છે.
