ભરૂચના જંબુસર ખાતે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ સાકરલાલ રાઠોડે તેમની ૨૪ વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી જઈ લગ્નનું બનાવટી સર્ટીફિકેટ બનાવનાર કરજણના યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવતી દસ્તાવેજની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદીની દીકરી દિવ્યાબેન વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી.

ગત તા. ૦૭/૦૫/૨૦૨૬ ના રોજ તેણે ઘરે ફોન કરીને જણાવેલ કે તેણે ‘કોર્ટ મેરેજ’ કરી લીધા છે અને તે ઘરેથી ૬ તોલા સોનાનો હાર પણ સાથે લઈ ગઈ છે. ત્યારબાદ પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થવાની ફરિયાદ તથા જંબુસર પોલીસ મથકે અરજી આપી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું કે કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.આ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે ફરિયાદી વડોદરા ખાતેની લગ્ન નોંધણી/સબ-રજિસ્ટ્રારની કચેરીએ ગયા હતા. ત્યાંના અધિકારીએ લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે, સરકારી રેકોર્ડ મુજબ ફેઝલ દિવાન અને દિવ્યાબેનના નામે આવી કોઈ લગ્ન નોંધણી થઈ નથી અને આ પ્રકારનું સર્ટિફિકેટ કચેરીમાંથી ઈશ્યુ કરાયું નથી.પોલીસે ફરિયાદી કિરીટભાઈ રાઠોડની આક્ષેપવાળી ફરિયાદના આધારે આરોપી ફેઝલ મજીદ દિવાન સામે બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.