ભાવનગર શહેર અને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ડુપ્લિકેટ કે ઝેરી દારૂ પીવાના કારણે 17થી વધુ લોકોની તબિયત એકાએક લથડી છે. અને બે યુવકોના મોત નિપજ્યા છે.

ભાવનગર શહેર અને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ડુપ્લિકેટ કે ઝેરી દારૂનું સેવન કર્યા બાદ લોકોમાં ઉલટી, બેભાન થવું અને દ્રષ્ટિ ધૂંધળી થવા જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ 10થી વધુ દર્દીઓને તાત્કાલિક ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે સ્થિતિ સામાન્ય જણાતા દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરવામાં આવી રહ્યા છે.

આ દુર્ઘટનામાં ભાવનગરના તળાજા રોડ પર રહેતા કાર્તિક અશ્વિનભાઈ મકવાણા અને ઘોઘા તાલુકાના ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ નામના યુવાનોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા કલેક્ટરે જાતે સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે તમામ દર્દીઓના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી અને હોસ્પિટલમાં જરૂરી દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેની રૂબરૂ ચકાસણી કરી હતી.

બીજી તરફ, આ ડુપ્લિકેટ દારૂ ક્યાંથી આવ્યો અને તેમાં મિથેનોલ કે અન્ય કોઈ ઝેરી પદાર્થ ભળ્યો હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની ટીમોએ દારૂના પુરવઠાના સ્ત્રોત સુધી પહોંચવા દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ દિવસો દરમિયાન જેણે પણ દારૂનું સેવન કર્યું હોય તેઓ તાત્કાલિક પોતાનું હેલ્થ ચેકઅપ કરાવે.

ગાંધીના ગુજરાતમાં હોય કે ડુપ્લિકેટ દારૂના કારણે સર્જાયેલી આ ઘટનાએ ફરી એકવાર નશાબંધી વિભાગ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે.