અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવાદ

પ્લોટ ફાળવણી મુદ્દે વિવાદ

ઉદ્યોગ મંડળને કરાય રજુઆત

જીઆઈડીસીમાં પણ રજુઆત કરવામાં આવી

અરજદારોમાં નારાજગી

અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે.૧૯ ઓગસ્ટે થયેલી ફાળવણી બાદ બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ઉદ્યોગ પ્રતિનિધિઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ ૨૦૧૮થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન લાંબા સમયથી પડતર રહ્યો હતો. આ દરમિયાન પ્લોટ ફાળવણીની રાહ જોઈ રહેલા અરજદારોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નહોતો. દરમિયાન તા. ૧૯ ઓગસ્ટ,૨૦૨૬ના રોજ જીઆઈડીસી દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વર્ષોથી રાહ જોઈ રહેલા અરજદારોમાં આશા જાગી હતી. જોકે, ફાળવણી પ્રક્રિયા બાદ પણ કેટલાક અરજદારોના પ્લોટ ફાળવવામાં ન આવતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં નારાજગી જોવા મળી રહી છે.આ સમગ્ર મામલે જે અરજદારોએ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમની અરજી પ્લોટ ફાળવણીથી વંચિત રહી ગઈ હોય, તેમની અરજીઓ ગ્રાહ્ય રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (AIA) ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને અસરગ્રસ્ત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત અરજદારોએ પોતાની ફરિયાદો તેમજ પ્લોટ ફાળવણી અંગેની સમસ્યાઓ એઆઈએના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી.બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી હતી. ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિમંડળ દ્વારા જીઆઈડીસીના રીજીયોનલ ઓફિસરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પ્લોટ ફાળવણી પ્રક્રિયા અંગે ઉદ્યોગકારોના વાંધા, બાકી રહેલી અરજીઓ તેમજ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કર્યા બાદ પણ પ્લોટ ન મળેલા અરજદારોના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.ઉદ્યોગ પ્રતિનિધિઓએ માંગ કરી હતી કે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં જો કોઈ અરજદારની જરૂરી પૂર્તતાઓ પૂર્ણ હોય અને માત્ર પ્રક્રિયાત્મક કારણોસર તેની અરજી બાકી રહી ગઈ હોય તો આવા અરજદારોની અરજીઓની પુનઃચકાસણી કરવામાં આવે અને નિયમોને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવામાં આવે. સાથે જ સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી અસંતોષ દૂર કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જીઆઈડીસી નિગમ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે ૧૮૦ જેટલા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણીને લઈને એક તરફ કેટલાક અરજદારો અને ઉદ્યોગ વર્તુળમાં વિરોધ અને અસંતોષ જોવા મળ્યો છે, તો બીજી તરફ વર્ષ ૨૦૧૮થી અટવાયેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા લાંબા સમય બાદ આગળ ધપાવવામાં આવી તે બાબતે એક વર્ગ દ્વારા સંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.હવે બાકી રહેલા અરજદારોના પ્રશ્નોનો જીઆઈડીસી તંત્ર દ્વારા કેટલા સમયગાળામાં અને કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.