ભરૂચ જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની એક સંવેદનશીલ અને અનોખી ઉજવણી જોવા મળી છે. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન અને ‘શી ટીમ’ દ્વારા દિવ્યાંગ બાળકો અને વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વૈશાલી આહીર તેમજ ભરૂચ અને અંકલેશ્વરની ‘શી ટીમ’ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


પોલીસ ટીમે ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ના દિવ્યાંગ બાળકો તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની મુલાકાત લીધી હતી. ‘શી ટીમ’ના મહિલા કર્મચારીઓએ વડીલો અને બાળકોને રાખડી બાંધી, તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પોલીસની આ સંવેદનશીલ કામગીરીને સ્થાનિકો અને વડીલો દ્વારા બિરદાવવામાં આવી હતી.
