પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા અને દેશ-વિદેશની હજારો બહેન-દીકરીઓ દ્વારા મોકલાયેલી રાખડીઓથી અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે.
ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવા પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા અને સિંહાસનને સુંદર શણગાર કરવામાં આવ્યો છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘મારા દાદાને મારી રાખડી’ અંતર્ગત હનુમાનજી દાદા સદાય તેમની રક્ષા કરે તેવા પરમ ભાવ સમગ્ર દેશ અને વિદેશમાંથી હજારો બહેનો-દીકરીઓએ પ્રેમપૂર્વક ઘરે જ બનાવીને મોકલાયેલી હજારો રાખડીઓથી દાદાને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હજારો બહેનોએ દાદાને મોકલાવેલા ભાવપૂર્ણ પત્રો પણ દાદાના ચરણોમાં અર્પણ કરાયા હતા. વૈવિધ્ય અને કલાત્મક રાખડીઓ સહિત દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
