ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરમાં 250 વર્ષથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.આજે સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. ભરૂચના પંચબત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. સાતમ-આઠમ-નોમ અને દશમ એમ ચાર દિવસ સુધી યોજાતા ભાતીગળ મેળામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટશે.
ભરૂચમાં છપ્પાનિયા દુકાળ સમયથી મેઘઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.એ સમયે ભોંય સમાજ દ્વારા નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારથી આજ દિન સુધી આ પરંપરા અકબંધ છે. મેળામાં સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગે પણ કમર કસી છે.
