ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠશે.મહોત્સવ દરમિયાન ભગવાન શ્રી રાધાવલ્લભ લાલજીને વિશેષ શણગાર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ તથા મહાઆરતી યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે.જન્માષ્ટમીના પાવન પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક વિધિઓ, આરતી, ભોગ તથા શણગારના કાર્યક્રમો યોજાશે. સવારે મંગળા આરતી, ઠાકોરજી સ્નાન, બાલ ભોગ, ધૂપ આરતી, શૃંગાર આરતી અને રાજભોગ આરતી યોજાશે.જ્યારે સાંજે ધૂપ આરતી, સંધ્યા આરતી, ભોગ તેમજ શયન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર દિવસ દરમિયાન મંદિર ખાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.