IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો
રૂ.6 લાખની લેવડ દેવડ અને ગીરવે સોના માટે હત્યા
ચકચારી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
કાર ખાડામાં ફસાતા આરોપીઓ મૃતદેહ મૂકીને ભાગ્યા
પોલીસે પ્રેમિકાની કરી ધરપકડ પ્રેમી થયો ફરાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા નજીકથી IIFL ફાયનાન્સના બ્રાન્ચ મેનેજરનો કારમાંથી લોહીલુહાણ હાલતમાં રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો,જોકે પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી એક યુવતીની ધરપકડ કરી હતી,જયારે તેનો પ્રેમી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા નજીકથી IIFL ફાયનાન્સના બ્રાન્ચ મેનેજર ભરત ચૌધરીનો કારમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીનગર રેન્જ આઇજી અને સાબરકાંઠા એસપીના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને પ્રાંતિજ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે પોલીસે પ્રાંતિજની સરકારી વસાહતના એક બંધ મકાનમાંથી ભાવના ઉર્ફે ભાવુ ઠાકોર નામની મહિલાની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ ચકચારી હત્યાકાંડનો પર્દાફાશ થયો છે.
પોલીસ પૂછપરછમાં સામે આવેલા ખુલાસા મુજબ, ભાવના અને તેના પ્રેમી યોગેશજી ઠાકોરે મૃતક ભરતભાઈ પાસેથી કટકે-કટકે આશરે રૂપિયા 6 લાખની લોન લીધી હતી,અને સોનું ગીરવે મૂક્યું હતું. આ લોનની રકમ પરત ન આપવી પડે અને ગીરવે મૂકેલુ સોનુ પાછું મેળવી લેવાય તે માટે બંને પ્રેમીપંખીડાએ અગાઉથી જ હત્યાનું કાવતરું રચ્યું હતું. યોજના મુજબ 2 સપ્ટેમ્બરના રોજ ભાવનાએ ભરતભાઈને પૈસા લઈ જવા પ્રાંતિજ બોલાવ્યા હતા. ત્યારબાદ યોગેશ પોતાની વર્ના કારમાં ભરતભાઈને બેસાડીને લાવ્યો હતો. રસ્તામાં કારમાં જ તીક્ષ્ણ કટર બ્લેડ વડે ભરતભાઈના ગળાના ભાગે ઊંડો ઘા મારી તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.
હત્યા બાદ બંને આરોપીઓ લાશનો નિકાલ કરવા માટે લીમલા-વડવાસા રસ્તા તરફ કાર લઈને ગયા હતા. જોકે, નસીબ જોગ કાર રિવર્સ લેતી વખતે રોડ સાઈડના ખાડામાં ફસાઈ ગઈ હતી. કાર બહાર ન નીકળતા બંને આરોપીઓ મૃતદેહ અને કારને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે મહિલા આરોપી ભાવનાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મુખ્ય સાથીદાર અને પ્રેમી યોગેશ ઠાકોર હજુ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
