સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બ્રાઉન શુગર સાથે ઓડિશાના ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે.

આરોપીઓ પાસેથી કુલ 7.02 ગ્રામ બ્રાઉન શુગર, જેની અંદાજિત કિંમત ₹1.40 લાખ છે, તે જપ્ત કરવામાં આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ કમિશનની લાલચે ઓડિશાથી સુરત ડ્રગ્સ વેચવા આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જીબાન, ચિન્મય અને ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. ત્રણેય ITI ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.

ચિન્મયે સુરત સુધી ડ્રગ્સ પહોંચાડવાના બદલામાં ₹10થી ₹15 હજાર કમિશનની લાલચ આપી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર ડ્રગ્સ વેચીને લાખો રૂપિયા કમાવાની લાલચમાં આ યુવકો આ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

આરોપીઓ બ્રાઉન શુગરની 2 મિલિગ્રામની પડીકીઓ બનાવી વેચવાની ફિરાકમાં હતા. હાલ સચિન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.