ભરૂચના વાગરામાં વર્ષ 2020માં પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.

ભરૂચના વાગરામાં વર્ષ 2020માં ઘરકંકાસના કારણે પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી આસિફ ઇકબાલ સીતપોણીયાએ ઘરકંકાસના મુદ્દે પોતાની પત્ની પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.ઘટના અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ કેસની સુનાવણી ચીફ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એમ. સોનીની કોર્ટમાં ચાલી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જે.જે. પરમારે આરોપી વિરુદ્ધ મજબૂત દલીલો રજૂ કરી હતી.કોર્ટ દ્વારા પુરાવા અને બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા બાદ આરોપી આસિફ ઇકબાલ સીતપોણીયાને આજીવન કેદની સજા તેમજ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.