ભરૂચ વાલિયા તાલુકાના પઠાર ગામ નજીક મુખ્ય માર્ગની બાજુમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારી સામે વીજ ચોરીની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. નોંધનીય છે કે આ જ વેપારી અગાઉ એક્સપાયરી ડેટનો લોટ વેચવાના વિવાદમાં પણ ચર્ચામાં આવ્યો હતો.

ભરૂચના વાલિયાના પઠાર ગામ પાસે મુખ્ય માર્ગની બાજુમાં આવેલી કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની બાતમી વીજ કંપનીને મળી હતી. બાતમીના આધારે વાલિયા વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અંકિત સવાણી તથા તેમની ટીમ દ્વારા સ્થળ પર તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરોડા દરમિયાન વીજ કંપનીની ટીમે દુકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું જણાતા દુકાનદારને વીજ ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વીજ કંપનીના નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરી દુકાનદારને આશરે રૂ. 1.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ જ વેપારી અગાઉ પણ વીજ ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું જાણવા મળે છે. અગાઉની કાર્યવાહી દરમિયાન તેને આશરે રૂ. 40 હજાર જેટલો દંડ કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.