સુરતમાં સગીરાના મોત મામલે સનસનાટીભર્યો ખુલાસો થયો છે,અને પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટથી મર્ડર કેસ ઉકેલાયો છે,આ ઘટના અકસ્માત નહીં પરંતુ સાવકા પિતા એ જ બળાત્કાર બાદ ક્રૂર હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી છે.
સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયકંપાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે.વર્ષ 2024માં બનેલી એક સગીરાના મોતની ઘટનામાં પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ તાજેતરમાં આવેલા પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટે આ સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે કે મૃતક સગીરા પર બળજબરીથી લૈંગિક પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તેના ગુપ્ત ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે સગીરા સાથે બળાત્કાર ગુજારી, તેને ઢોર માર મારીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં સૌથી વધુ શરમાવનારી બાબત એ સામે આવી છે કે સગીરાનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો સગા સાવકો પિતા જ નીકળ્યો છે. પોલીસે તપાસ દરમિયાન સગીરાના શરીર પરથી મેળવેલા સેમ્પલ અને તેના 45 વર્ષીય સાવકા પિતાના ડીએનએ સેમ્પલ મેચ કરાવતા આ રુવાડા ઉભા કરી દે તેવા ગુનાનો ભેદ ઉકેલાયો છે. વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપી પિતા અગાઉ પણ પોતાના જ ઘરમાં સગીરા સાથે વારંવાર મારઝૂડ કરતો હતો. અઠવાલાઇન્સ પોલીસે આ અનડિટેક્ટ બળાત્કાર અને પોક્સો જેવા અત્યંત ગંભીર કેસમાં આરોપી સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે.
