અંકલેશ્વરમાં ખોડલધામ મહિલા સમિતિ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડલધામના ટ્રસ્ટી અનાર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ તથા સમસ્ત લેઉવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમના સર્વાંગી વિકાસના હેતુસર ભવ્ય મહિલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના સરદાર ભવન, જીઆઈડીસી ખાતે યોજાયેલા આ એક્ઝિબિશનમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓને સ્વરોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તેમજ તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામના ટ્રસ્ટી અનારબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જયાબેન પટેલ તથા જેનીબેન હંસર સહિતના મહાનુભાવો અને ખોડલધામ પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના ઉત્પાદનો અને ઘરઉદ્યોગની વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપ્યું હતું.
