શ્યામ સંગીની માર્કેટ આગની ઘટનાનો મામલો

ભીષણ આગ પાછળ મોટું ષડયંત્ર હોવાનો ઘટસ્ફોટ

CCTVમાં કેદ થયો શંકાસ્પદ વ્યક્તિ

મોઢે સફેદ રૂમાલ બાંધેલા શખ્સે મધરાતે છઠ્ઠા માળે આગ ચાંપી

ભીષણ આગ અને પાણીથી 4 મોટા વેપારીઓને કરોડોનું નુકસાન

સુરતના શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી ભીષણ આગ અંગે એક ચોંકાવનારો અને સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે.આ ઘટનાને અકસ્માત માનવામાં આવી રહી હતી, તે ખરેખર એક સુનિયોજિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે.

સુરતના કાપડ ક્ષેત્ર માટે જાણીતા શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી ભીષણ આગ અંગે એક ચોંકાવનારો અને સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે. શરૂઆતમાં જે ઘટનાને અકસ્માત માનવામાં આવી રહી હતી, તે ખરેખર એક સુનિયોજિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. માર્કેટના છઠ્ઠા માળે કોઈ અજાણ્યા શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી હોવાના પુરાવા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. મોઢે સફેદ રૂમાલ બાંધીને આવેલા આ શંકાસ્પદ શખ્સે મધરાતે 12:20 વાગ્યે આગ લગાડી હતી અને માત્ર ચાર જ મિનિટમાં, એટલે કે 12:24 વાગ્યે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ષડયંત્રના કારણે માર્કેટમાં ભયાનક આગ અને ધુમાડો પ્રસરી ગયા હતા. આગ અને ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન વપરાયેલા પાણીના કારણે 4 મોટા વેપારીઓનો અંદાજે 24 કરોડ રૂપિયાથી વધુનો કાપડનો સ્ટોક સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. આ ઉપરાંત છઠ્ઠા માળે આવેલી 17 જેટલી દુકાનો, બિલ્ડિંગનું મેઈન સ્ટ્રક્ચર અને સમગ્ર ઇલેક્ટ્રિક વાયરિંગને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ મામલે વેપારીઓની ફરિયાદના આધારે સારોલી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.