સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક
ડેમમાં જળસ્તર મહત્તમ સપાટી 138.68 મીટર નજીક પહોંચ્યું
પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની
ડેમમાં 5,379.80 એમસીએમ જીવંત જળજથ્થો ઉપલબ્ધ
ઉપરવાસમાંથી ડેમમાં સતત 54,952 ક્યુસેક પાણીની આવક
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસ્તર તેની મહત્તમ સપાટીની નજીક પહોંચ્યા છે,જેના કારણે પીવાના પાણી અને સિંચાઈ માટેની સુરક્ષા મજબૂત બની છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો વિપુલ જથ્થો જમા થતા ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જેની સામે હાલની જળ સપાટી 137.48 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલ 5,379.80 મિલિયન ક્યુબિક મીટર જેટલો જીવંત જળજથ્થો ઉપલબ્ધ થતાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની છે.
ઉપરવાસમાં થઈ રહેલી આવકના કારણે નર્મદા ડેમમાં સતત 54,952 ક્યુસેક પાણી આવી રહ્યું છે. પાણીની આ ભારે આવકને પગલે જળ સપાટી નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસ મારફતે પાણી વહાવવામાં આવતાં જળ વિદ્યુતનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે.
નદી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્ય કેનાલ મારફતે 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
