ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

કલેકટરને કરવામાં આવી રજુઆત

પશ્ચિમ વિસ્તારના રહીશોની રજુઆત

શાળા નજીક સ્પીડ બ્રેકર મુકવા માંગ

પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માંગ

ભરૂચના પશ્ચિમ વિસ્તારબ રહરવાસીઓએ સ્કૂલ નજીલ સ્પીડ બ્રેકર મુકવા તેમજ વોર્ડ નંબર 1 અને 2માં પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડી શરૂ કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓ દ્વારા બાળકોની સુરક્ષા સહિત વિવિધ સ્થાનિક પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ખાસ કરીને મદીના હોટલ પાસે આવેલી અંજુમન સ્કૂલ અને છીપવાડ સ્કૂલ નજીક તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, મદીના હોટલ નજીક અંજુમન સ્કૂલ, છીપવાડ સ્કૂલ તથા એકતા સ્કૂલ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. સ્કૂલ શરૂ થવાના અને છૂટવાના સમયે મહંમદપુરાથી સ્ટેશન તરફ જતાં મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર વધુ રહે છે અને કેટલાક વાહનો ઝડપી ગતિએ પસાર થતા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા રહે છે. અગાઉ પણ નાના-મોટા અકસ્માતોમાં વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

આથી અંજુમન સ્કૂલ તથા છીપવાડ સ્કૂલ નજીક બે સ્પીડ બ્રેકર બમ્પ તાત્કાલિક મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1 અને 2માં આશરે 50થી 60 હજારની વસ્તી હોવાનો ઉલ્લેખ કરી સ્થાનિકોએ વધુ બે મહત્વની માંગણીઓ પણ રજૂ કરી છે. વોર્ડ નં. 1 અને 2માં નગરપાલિકા સંચાલિત બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તેમજ નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બંને વોર્ડમાં બે પ્રાથમિક આરોગ્ય મંદિર કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.