અંકલેશ્વરના પંચાતી બજારના રાધા વલ્લભ મંદિરે સંપ્રદાય સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ પરંપરા આજે પણ અવિરત રીતે નિભાવવામાં આવી રહી છે. દર વર્ષે રાધા અષ્ટમીના પાવન અવસરે અંકલેશ્વરના ગાદીજનો ભરૂચી નાકા નજીક આવેલી કમાલીબાબા વાડી ખાતે જઈ પૂજ્ય મોહનલાલજી મહારાજ અને પૂજ્ય લાડલીલાલજી મહારાજની પાદુકાનું વિધિવત્ પૂજન કરે છે. વર્ષો જૂની આ પરંપરા સંપ્રદાયની આધ્યાત્મિક પરંપરા અને ગુરુ-શિષ્ય સંબંધની જીવંત અભિવ્યક્તિ માનવામાં આવે છે.
રાધાવલ્લભજી મંદિર હરિવંશ સંપ્રદાયની પરંપરા સાથે જોડાયેલુ છે. દેવબંધથી વૃંદાવન સુધી પ્રસિદ્ધ થયેલા હરિવંશ સંપ્રદાયના આદ્ય પ્રણેતા હિતહરિવંશજીના વંશજો દ્વારા આજે પણ મંદિરની સેવા-પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં રાધાવલ્લભ સંપ્રદાયનું આ એકમાત્ર મંદિર હોવાનુ માનવામાં આવે છે.આ વર્ષે પણ રાધા અષ્ટમી નિમિતે વર્તમાન સેવા અધિકારી જગદીશલાલજી ગોસ્વામીની ઉપસ્થિતીમાં પંચાતી બજારથી શોભાયાત્રા નીકળી હતી અને પાદુકા પૂજન કરાયુ હતુ જેમાં સ્થાનિક વૈષ્ણવ સમાજ જોડાયો હતો.
