પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત દહેજ GIDC તથા તેની આસપાસના વિસ્તારોમાં ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડ તથા સભ્ય સચિવ દીપાલીબેન ટાંકના માર્ગદર્શન હેઠળ, GPCBની પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા ‘સદભાવના સેવા ફાઉન્ડેશન’ના સહયોગથી તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આ વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળીનું પ્રમાણ વધારવા અને પર્યાવરણની સમતુલા જાળવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ દહેજ GIDC વિસ્તારમાં સ્વચ્છતા અંગેના અન્ય વિવિધ જાગૃતિ કાર્યક્રમો તેમજ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.આ સંયુક્ત પ્રયાસથી દહેજ ઔદ્યોગિક વસાહત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય જાગૃતિ વધશે અને સ્વચ્છ તથા હરિયાળા વાતાવરણનું નિર્માણ થશે.
