ભરૂચમાં કરાયુ સ્વાગત

સેવા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયુ

પી.એમ.મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજન

જંબુસરથી ભરૂચ જિલ્લામાં કર્યો પ્રવેશ

આત્મીય હોલ ખાતે અભિવાદન સભા યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે વડનગરથી વારાણસી સુધી આયોજિત સેવા સંકલ્પ યાત્રાનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવાથી રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગરથી વારાણસી સુધી નીકળેલી સેવા સંકલ્પ યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં જ નગરજનો અને જનપ્રતિનિધિઓ દ્વારા જળ કળશ તેમજ પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.જંબુસરમાં પ્રવેશતા જ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, ડાંગના MLA વિજય પટેલને પુસ્તકની ભેટ આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને ફળફળાદીનું વિતરણ કરી ખબર-અંતર પૂછ્યા હતા. જંબુસરમાં ભાજપ જિલ્લા પ્રમુખે પોતે બાઇક ચલાવી ભારત માતા કી જયના નારા સાથે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.આમોદ શહેરમાં પ્રવેશ બાદ નાહીયેર સ્વામિનારાયણ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ દેરોલ ચોકડી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ભરૂચ બાયપાસ અને શ્રવણ ચોકડી ખાતે મા નર્મદાનું પવિત્ર જળ કળશમાં અર્પણ કરી યાત્રા પર પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું.ભરૂચના આત્મીય હોલ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સ્વાગત અભિવાદન સભા યોજાઈ હતી. જેમાં દંડક વિજય પટેલ, પ્રદેશ મંત્રી આશાબેન નકુમ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રીઓ પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ નિરલ પટેલ, મનોજ મહેતા, પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અટોદરિયા, ધર્મેશ મિસ્ત્રી સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન LED વાન મારફતે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોની ઝાંખી પણ દર્શાવવામાં આવી હતી.